- કર્ણાટક હાઈકોર્ટની ચેતવણી
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને આપી ચેતવણી
- કહ્યું- ‘ભારતભરમાં ફેસબુક બંધ કરી દેશું’
બેંગલુરુ : કર્ણાટક હાઈકોર્ટે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું હતું કે, જો ફેસબુક રાજ્ય પોલીસને સહકાર આપવા સક્ષમ નથી, તો તે સમગ્ર ભારતમાં તેની સેવાઓ બંધ કરવા પર પણ વિચાર કરી શકે છે.
કહેવામાં આવ્યું છે કે કોર્ટની આ ટિપ્પણી સાઉદી અરેબિયામાં કેદ ભારતીય સાથે સંબંધિત કેસની તપાસને લઈને આવી છે. આરોપ છે કે ફેસબુક આ મામલે કર્ણાટક પોલીસને કથિત રીતે સહયોગ નથી કરી રહ્યું.
દક્ષિણ કન્નડ જિલ્લાના બિકર્નાકાટેની રહેવાસી કવિતાની અરજી પર સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ કૃષ્ણા એસ. દીક્ષિતની બેન્ચે સોશિયલ મીડિયા કંપનીને આ ચેતવણી આપી છે. બેન્ચે ફેસબુકને એક સપ્તાહની અંદર જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બેંચે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે જણાવવું જોઈએ કે સાઉદી અરેબિયામાં ભારતીય નાગરિકની નકલી ધરપકડના મુદ્દે અત્યાર સુધી અમારી તરફથી શું પગલાં લેવામાં આવ્યા છે. આ સાથે મેંગલુરુ પોલીસને તપાસ ચાલુ રાખવા અને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.