બેંગ્લોરઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને ઉભો થયેલો વિવાદ અદાલતમાં પહોંચ્યો છે. દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પહેરવાની માંગણી કરનારાઓને ઝટકો આપ્યો છે. કોર્ટે સમગ્ર મામલે આદેશ ના આવે ત્યાં સુધી સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક પોશાક પહેરીને જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ નોંધ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવે. સમગ્ર મુદ્દે વધારે સુનાવણી સોમવારે બપોરના હાથ ધરાશે.
એક રિપોર્ટ અનુસાર કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતામાં ન્યાયમૂર્તિ કૃષ્ણ એસ દિક્ષિત અને જસ્ટીસ જે.એમ.ખામીની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન મીડિયાને પણ અપીલ કરી છે કે, કોર્ટનો આદેશને જોયા વિના ચર્ચા દરમિયાન કોર્ટે કરેલી કોઈ પણ ટિપ્પણીનું રિપોર્ટીંગ ના કરે. આ પહેલા બુધવારે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કૃષ્ણ દિક્ષિતએ સમગ્ર પ્રકરણ ખંડપીઠ સમક્ષ મોકલી આપવા નિર્દેશ કર્યો હતો. ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, આ મામલામાં વચગાળાના રાહત અંગે પણ ખંડપીઠ વિચારણા કરશે.
કર્ણાટક સરકારે રાજ્યમાં સ્કૂલ-કોલેજમાં યુનિફોર્મને અનિવાર્ય કરો છે. જે અનુસાર સરકારી સ્કૂલ-કોલેજમાં નક્કી કરેલો યુનિફોર્મ પહેરાશે. ખાનગી સ્કૂલો પણ પોતાની રીતે યુનિફોર્મ નક્કી કરી શકે છે. દરમિયાન ઉડ્ડપીની એક સરકારી કોલેજમાં છ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને પ્રવેશ કરતા વિવાદ ઉભો થયો હતો. જેથી કોલેજ સંચાલકોએ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતા તેઓ પહેરીને આવી હતી. આ વિવાદ બાદ બીજી કોલેજોમાં હિજાબને લઈને વિવાદ ઉભો થયો હતો. અંતે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે.