કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટના નિર્દેશ સામે અરજી
નવી દિલ્હીઃ કર્ણાટક હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આગામી નિર્દેશ સુધી શૈત્રણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો ઉપર પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન હાઈકોર્ટના આ નિર્દેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
કેસની હકિકત અનુસાર કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબના મુદ્દે વિવાદ થતા સરકાર દ્વારા 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવા નિર્દેશ કર્યો હતો. દરમિયાન છ વિદ્યાર્થિનીઓએ હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણીમાં હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, આગામી આદેશ સુધી સ્કૂલ-કોલેજમાં ધાર્મિક વસ્ત્રો વિદ્યાર્થીઓ ના પહેરે. તેમજ સ્કૂલ-કોલેજ ખોલવી જોઈએ. હાઈકોર્ટે આ અરજીની વધુ સુનાવણી સોમવાર સુધી મુલત્વી રાખી છે. દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે હિજાબ મુદ્દે હાલ સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. તેમજ કહ્યું છે કે, હાઈકોર્ટે હજુ સુધી કોઈ આદેશ આપ્યો નથી. યોગ્ય સમય ઉપર સુનાવણી કરવામાં આવશે. અમારી નજર કર્ણાટકની પરિસ્થિતિ ઉપર છે. સુપ્રીમ કોર્ટે મામલાને વધુ આગળ ના વધારવા માટે પણ તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.