1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કરસનદાસ મૂળજી સ્મૃતિ દિવસઃ સમાજ સુધારકના નાતે કરસનદાસ અન્યને કહેલું કામ પોતાનાથી શરૂ થાય એવો આગ્રહ રાખતા
કરસનદાસ મૂળજી સ્મૃતિ દિવસઃ સમાજ સુધારકના નાતે કરસનદાસ અન્યને કહેલું કામ પોતાનાથી શરૂ થાય એવો આગ્રહ રાખતા

કરસનદાસ મૂળજી સ્મૃતિ દિવસઃ સમાજ સુધારકના નાતે કરસનદાસ અન્યને કહેલું કામ પોતાનાથી શરૂ થાય એવો આગ્રહ રાખતા

0
Social Share

*બહુઆયામી વ્યક્તિત્વ કરસનદાસ મૂળજી*

(૧૫૩માં સ્મૃતિદિને મહાન પત્રકાર, સમાજ સુધારક કરસનદાસ મૂળજીનું પુણ્ય સ્મરણ)

થોડા સમય પહેલા રિલીઝ થયેલી “મહારાજ” ફિલ્મના કેન્દ્રમાં રહેલા કરસનદાસ મૂળજી અને તેમના સુપ્રસિદ્ધ ‘મહારાજ લાઇબલ કેસ’ એ વર્તમાન ગુજરાતી સમાજમાં પણ ઠીક ઠાક હલચલ મચાવી હતી. ખાસ કરીને કરસનદાસ મુળજીના વ્યક્તિત્વના અનેક પાસાઓને ઉવેખીને એમને ધર્મ વિરોધી અને અંગ્રેજોના પિઠ્ઠુ તરીકે ચિતરવાની ધૃષ્ટતા પણ થઈ. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. આ મહાન સમાજ સુધારક, વિરલ પત્રકાર, અનન્ય નિબંધકાર,આદર્શ શિક્ષક, અનોખા પ્રવાસીએ ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને સમાજની વિવિધ સ્વરૂપોમાં કરેલી સેવાની નોંધ લેવાનો સમય આવી ગયો છે. મહારાજ લાઇબલ કેસ એ તેમના જીવનનો અગત્યનો પણ ખૂબ નાનો હિસ્સો હતો એ સિવાય પણ તેમણે ગુજરાતીઓ માટે જીવનભર અનેક કાર્ય કર્યા હતા. આજે તેમના ૧૫૩માં સ્મૃતિદીને તેમણે  માત્ર 39 વર્ષની નાની વયમાં કરેલા કેટલાક અનન્ય કાર્યો પર એક નજર કરીએ..

કરસનદાસ મૂળજીનો જન્મ મુંબઈમાં ૧૮૩૨ની ૨૫મી જુલાઈના રોજ થયો હતો. કપોળ વાણીયા કુટુંબમાં જન્મેલા કરસનદાસના પિતાનું નામ મૂળજી કાનજી હતું અને માતાનું નામ ગોમતી હતું. તેમની માતા મુંબઈના પ્રખ્યાત કુટુંબ શેઠ પરમાનંદદાસ નાગરદાસની પુત્રી હતા. મુંબઈના ફોર્ટ બજાર વિસ્તારમાં રૂપજી ધનજી સ્ટ્રીટમાં આવેલા તેમના પરપિતાના ઘરે કરસનદાસનો જન્મ થયો હતો.

માત્ર ૨૧ વર્ષની વયે ૧૮૫૩માં કરસનદાસે ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’માં દેશાટણ’ વિશે નિબંધ વાચ્યો ,સભાસદોમાં તેમનું માન વધ્યું. સ્ત્રીઓને અભણ રાખવી, બાળકોને ઘરેણાં પહેરાવવા અને બાળ લગ્ન એ ત્રણ ખોટી રસમો વિરુદ્ધ સભામાં ચર્ચા અગાઉ થઈ ચૂકી હતી એટલે પરદેશમાં નહીં જવા સંબંધી જુઠા વહેમો અને ભૂલો દેખાડી આપવાનું કામ કરસનદાસે માથે લીધું. આ નિબંધ માત્ર વાંચીને બેસી ન રહેતા કરસનદાસ બરાબર સાત વર્ષ બાદ પ્રથમવાર અને તેના બે વર્ષ બાદ બીજીવાર વિલાયતની મુસાફરી કરી આવ્યા.

આપણા દેશમાં અંગ્રેજી શાસન આવ્યા પછી અનેક મોટા સ્થળોએ અખબારો શરૂ થયા હતા. પ્રજામાં જ્ઞાનનો અને સુવિચારનો ફેલાવો કરવાનું આ ઉત્તમ સાધન જોઈ કેટલાક પરગજુ પારસીઓ કે જે સુધારાની પ્રવૃત્તિ કરતા હતા તેમણે ‘રાસ્તગોફતાર’ નામનું સાપ્તાહિક અખબાર શરૂ કર્યું. સારુ અખબાર વાંચવાનો પ્રજામાં શોખ ઉત્પન્ન કરવા કેટલાક પરોપકારી અને સ્વદેશાભિમાની પારસીઓએ રાસ્તગોફતાર ચલાવ્યું. આ અખબારનો માત્ર પારસીઓને  જ નહીં પરંતુ બધા ‘દેશીઓને’ લાભ મળે તેવી ગોઠવણ કરાઈ હતી. કરસનદાસે સને ૧૮૫૩માં તેમાં વિવિધ સંસાર સુધારાના વિષયો ઉપર નિબંધ લખ્યા હતા અને તે પ્રસિદ્ધ થયા જેનાથી હિન્દુ સમાજ અને પારસી સમાજના જાગૃત શિક્ષિત વર્ગમાં તેમની આબરૂ વધી, પરંતુ હવે સમાજ સુધારક કરસનદાસની અંદર સળવાળી રહેલો પત્રકાર પૂરેપૂરા જોશથી બહાર આવા થનગની રહ્યો હતો. અંતે એ દિવસ આવ્યો જ્યારે ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં અમર થઈ જનારા આ મહાન પત્રકારને ખરા અર્થમાં સમાજ સુધારક પત્રકાર બનાવનાર “સત્ય પ્રકાશ”નો જન્મ થયો.મહીપતરામ રૂપરામ લખે છે કે “….માત્ર સ્વદેશી હિતને માટે કરસનદાસે સને ૧૮૫૫માં સત્ય પ્રકાશનો પ્રારંભ કર્યો આ તોપમાંથી છૂટતા ગોળા વહેમગઢને અને અનીતિના કોટને વાગવા લાગ્યા અને તેથી જેઓ મૂર્ખને દુષ્ટ હતા તેઓ કોપ્યા. એનું લખાણ જુસ્સા ભરેલું હતું….”

એક સમાજ સુધારક હોવાના નાતે કરસનદાસ સમાજ સુધારા માટે અન્યને કહેલું કામ પોતાનાથી શરૂ થાય એવો આગ્રહ પણ રાખતા. બે બે ટૂંકા ગાળાના લગ્નજીવન ભોગવીને દુઃખ વેઠી ચૂકેલા કરસનદાસના ડિસેમ્બર ૧૮૫૭માં ૨૫ વર્ષની વયે ત્રીજા લગ્ન થયા. આ લગ્ન પણ તેમના સમાજ સુધારક તરીકેના જીવનની એક મહત્વપૂર્ણ ઘટના હતી. કારણ કે તેમના આ લગ્નમાં એ સમયની ‘અસલી ચાલ’ મુજબ ‘ઘોડે બેસી ઝરીનો જામો પહેરીને’ પરણવા જવાની સાસરીયાઓની આગ્રહભરી ધમકી હતી. જો કરસનદાસ આવું નહીં કરે તો વેવિશાળ તોડી નાખવાની તેમના સાસરીયાએ ચીમકી આપી હતી પરંતુ કરસનદાસે છેવટ સુધી નમતું જોખ્યું નહીં અને પોતાની જીદ પુરી કરી પગે ચાલતા પરણવા ગયા.

મહારાજ લાઇબલ કેસને કારણે જદુનાથ મહારાજ સાથે સંઘર્ષમાં ઉતરેલા કરસનદાસે  સત્ય પ્રકાશમાં એક સમયે જદુનાથ મહારાજને બિરદાવ્યા પણ હતા. સત્ય પ્રકાશના “સુરતના જદુનાથ મહારાજ (તેમને સાબાસ) લેખમાં કરસનદાસ લખે છે”….. મુંબઈના મહારાજો જેમ એશઆરામીમાં ગરક થઈ ગએલા છે, જેઓ સઘલા સારા અને સુધરાઈના કામોની આડે આવવામાં પરખથીઆત થયેલા છે તેઓએ સુરતના જદુનાથ મહારાજને જોઈને લજવાવું જોઈએ…. માહારાજે પોતાના ખર્ચે એક નીશાલ દેશી લોકના છોકરાઓને વાસ્તે ઉઘાડી છે. સુધરેલા વીચારના જુવાન વીદીઆરથીઓ સાથે વાનીત કરવામાં મહારાજ ઊલટ રાખે છે; તથા બીજા માહારાજો ની પેઠે અળશાઈમાં વખત કહાડવાને બદલે ફોટોગરાફી જેવો અગતનો હુનર શીખવવામાં પોતાનો ફુરસદનો વખત કહાડે છે.”

ઈ.સ. ૧૮૬૦ માં એમણે ગુજરાતી અંગ્રેજી શબ્દકોશ કરવાનો પ્રારંભ કર્યો હતો પરંતુ લાઈબલ કેસમાં રોકાવાથી તે અધૂરો રહ્યો હતો. એ કેસ અને તેના રિપોર્ટથી પરવારીને કરસનદાસે ૧૮૬૨મા આ કોશ પૂર્ણ કર્યો અને છપાવ્યો. આ કોશ તેમણે મિત્ર શેઠ કરસનદાસ માધવદાસને અર્પણ કર્યો હતો.

પ્રખર સુધારક અને અત્યંત યુવા વયે ‘દેશાટણ’નો બોધ કરનાર કરસનદાસના જીવનનો એક વધુ મહત્વનો તબક્કો આવ્યો. સને ૧૮૬૩માં તેમણે વિલાયતની મુસાફરી કરવાનો વિચાર કર્યો. તેમના સમકાલીન સમાજ સુધારક મિત્ર મહિપતરામ રૂપરામ લખે છે.” જે પ્રમાણે બોલતા તેમ કરતા. એમની ઇચ્છા વિલાયત તરફ મુસાફરી કરવાની થઈને ૧૮૬૩ના માહ માર્ચની ૧૩મી તારીખે વિલાયત જવાને કરસનદાસે હામ ભીડી. ઇંગ્લંડ જતી વેળા એમને ખોજા ગૃહસ્થો તરફથી માનપત્ર આપવામાં આવ્યું હતું ને મોટી રકમનું ઉઘરાણું કરી કરસનદાસને ઉત્તેજન આપ્યું હતું. જતી વેળા પાલવા બંદર તરફ સેંકડો નામના સુધારાવાળા તેમને વળાવા આવ્યા હતા ને હુરરેના પોકારો માર્યા હતા…” ઇંગ્લેન્ડ થી પરત આવ્યા બાદ ત્રણ વર્ષે એટલે કે ઈ.સ.૧૮૬૬માં કરસનદાસ મૂળજીએ તેમના પ્રવાસના અનુભવોનું વર્ણન કરતું પ્રવાસ પુસ્તક ‘ઇંગ્લંડમાં પ્રવાસ’ પ્રસિદ્ધ કર્યું. સને ૧૮૬૭માં કરસનદાસને ફરી એકવાર વિલાયત જવાનો મોકો મળ્યો. આ વખતે તેઓ પાલીતાણાના ઠાકોર સાહેબ માટે શ્રાવકો સાથે પાલીતાણા ડુંગર બાબતે થયેલી તકરાર અંગે ઇંગ્લેન્ડમાં હિન્દખાતાના મંત્રી (સેક્રેટરી)ને અરજી આપવા માટે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીરાભાઈ ની મહેનતથી ગયા હતા.

બીજીવાર ઇંગ્લેન્ડ જઈને આવ્યા પછી કરસનદાસે પત્ની અને બાળકોની સાથે સમય ગાળવાના હેતુથી કાઠીયાવાડમાં નોકરી મેળવવા કોશિશ કરી. રાજકોટની ગાદીએ એ વખતે બાળરાજા હતા તેથી તેના સંસ્થાનનો કારભાર પોલિટિકલ એજન્ટ મારફત ચલાવવાનો ઠરાવ સરકારે કર્યો હતો. તેના અનુસંધાને મુંબઈ સરકારે કરસનદાસને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ટપદે નીમી સંસ્થાનનો કારભાર સોંપ્યો.રાજકોટ સંસ્થાનનો ચાર્જ લઈ કરસનદાસે એક કુશળ વહીવટદાર તરીકેની પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી. પ્રજાનું રક્ષણ, ફોજદારી, દીવાની ન્યાય ,લાંચ-રુશ્વત લીધા વગર નિષ્પક્ષપાતે કામો કરવા એવા રાજકાજના સિદ્ધાંતોને પાડીને તેમણે યશ મેળવ્યો.સાચા ન્યાયથી, શાંત, મળતાવડા અને મધુર સ્વભાવથી પ્રજાપ્રિય થયાં હતા. રાજ્યની ઉપજના ખર્ચનો સુંદર વહીવટ કરી તેમણે કરનું નાણું રાજાનું, પ્રજાનું નહીં એ વાત ખોટી સાબિત કરી બતાવી.

જેમ રાજકોટમાં બાળરાજા હોવાથી તેનો કારભાર ઉપરી સરકારે હાથમાં લીધો તેમ લીંબડી સંસ્થાનમાં પણ થયું હતું. અંગ્રેજ સરકાર તરફથી લીંબડી સંસ્થાનનું કામકાજ ચલાવનાર કારભારીની બદલી થતાં ત્યાંનું કામ ચલાવવા સરકારે કરસનદાસને જવાબદારી સોપી. લીંબડી ખાતેના તેમના કાર્યકાળમાં પણ તેમણે ઘણા પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા. લીંબડીની એંગ્લો વરનાકયુલર શાળાના મકાનમાં છોકરીઓ માટે સભા કરી તેમને ઓઢણા, ચોપડીઓના ઇનામો આપ્યા હતા. લીંબડીની લાઇબ્રેરીના તેઓ પેટ્રન હતા. મ્યુનિસિપલ ખાતું તેમના સમયમાં ઉદય પામ્યું.કર અને જકાત પણ તેમને ન્યૂનતમ રાખ્યા હતા.લોકોની સુખાકારી માટે તેમણે લીંબડીમાં તાર ઓફિસ બંધાવી આપેલી….પોસ્ટ ઓફિસ અને સિપાહીઓ માટે વિલાયતી ઢબના ‘ગેટો’ તેમણે બનાવી આપ્યા હતા.

લીંબડીના કાર્યકાળ દરમિયાન તેમણે સમાજ સુધારાની પોતાની પ્રવૃત્તિ છોડી ન હતી. અગાઉ દિવાળી અને ગણપત બ્રાહ્મણના કિસ્સામાં વિધવા પુનર્લગ્નના નિષ્ફળ પ્રયાસ છતાં તેમણે હંમેશા સુધારાવાળા મિત્રોને આ બાબતે પ્રોત્સાહન આપ્યું હતું. વાણીયાઓમાં પહેલું પુનર્લગ્ન કરવાનું માન મેળવનાર બાળવિધવા ધનકોરબાઇ અને એ જ  જ્ઞાતિના શેઠ અને કરસનદાસના મિત્ર માધવદાસ રૂગનાથદાસના લગ્ન કરસનદાસે ખૂબ જ વિપરીત સંજોગોમાં કરાવી આપ્યા હતા. વિધવા પુનર્લગ્નમાં દોષ નથી તેવું સમજાવીને તેમણે ધનકોરબાઈને પુનર્લગ્ન માટે તૈયાર કર્યા. આ કામમાં મિત્રોને સહાયભૂત થવા તેઓ લીંબડી થી રજા લઈને મુંબઈ આવ્યા. પોલીસનો ગુપ્ત બંદોબસ્ત કર્યો અને યુક્તિપૂર્વક ધનકોરને લગ્ન સ્થળે લાવીને સુધારાના સાથીઓની હાજરીમાં લગ્ન સંપન્ન કરાવ્યા.

સમાજ સુધારાની પ્રવૃતિ અને જીવનની દડમજલમાં કરસનદાસને આરોગ્યની પણ ઘણી હાનિ થઈ. તેમને વર્ષોથી હરસનો રોગ હતો. ઇંગ્લેન્ડ ગયા તે પહેલાં પણ તેમને મસામાંથી ઝાડાની વાટે લોહી નીકળતું. ઇંગ્લેન્ડમાં તેમને આરામ થયો હતો પરંતુ સ્વદેશ આવ્યા બાદ રોગે ઉથલો માર્યો અને ૧૮૭૧માં લીંબડીના નિવાસ દરમિયાન વધારે લોહી જવા લાગ્યું અને નબળાઈ વધી. દેશી ઓસડિયા અને દવાખાનાના ડોક્ટર પેસ્તનની દવાઓ લીધી પરંતુ રોગ ખૂબ આગળ વધી ગયો હતો. મહિપતરામ રૂપરામ આ ઘટના વિશે લખે છે “અંતકાળ પાસે છે એવું જાણી ગયેલા કરસનદાસે પોતાની તબિયત વધારે બગડેલી જણાતા ડોક્ટર પાંડુરંગને નજીક બોલાવીને કહ્યું.”……. મારા મિત્રોને મારી છેલ્લી સલામ કહેજો. હું ધારું છું કે મે મારા ઓછા જ્ઞાનવાળા દેશી ભાઈઓ પ્રતિ મારી ફરજ બજાવી છે. એમ કરવામાં મેં કોઈને મારા દુશ્મન કર્યા તો તેમ કરવાનો મારો હેતુ ન હતો. સારું અને પરોપકારી કામ કરતાં તેમ થયું એ માટે હું પરમેશ્વર પાસે જ્ઞાન અને દયા માગું છું. મારા મિત્ર અને શત્રુ બેઉને માટે હું પ્રાર્થના કરું છું કે તેમના ઉપર કૃપા કરે” એટલું બોલી તેણે પોતાની નારીને નજીક તેડી, ચિંતાતુર દૃષ્ટિએ તેને નિહાળી, અને છેલ્લા આશીર્વાદ દીધા. ત્યાર પછી ભાન રહ્યું નહીં સનેપાત થયો, મધરાતે તે સમ્યો અને અચેત શાંતિ થઈ. બીજે દહાડે સવારે ( તા ૨૮મી આગસ્ટ ૧૮૭૧) તેમનો પ્રાણ ગયો..”

કરસનદાસના મૃત્યુ પર શોક પ્રગટ કરી કાઠીયાવાડ પોલિટિકલ એજન્ટ તથા સરકારે શોક વ્યક્ત કરતું ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તેમના મૃત્યુના દિને સમગ્ર લીંબડી શોકમય બન્યું હતું. હિન્દુ મુસલમાન સહુ ખૂબ જ ઉદાસ થયા હતા.3000 લોકો તેમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને શહેરમાં ધંધા રોજગાર તેમના માનમાં બંધ રાખવામાં આવ્યા હતા.

કરસનદાસે તેમના સમાજ સુધારક, પત્રકાર, શિક્ષક, પ્રવાસકાર,નિબંધકાર તરીકેના બહુરંગી જીવનમાં ઉત્તમોતમ સાહિત્ય-પુસ્તકો ગુજરાતને આપ્યા. કરસનદાસ પોતે કરેલી એક પત્રનોંધ મુજબ તેમણે ૨૩ જેટલા પોતાના અને અન્યના પુસ્તકો, ચોપાનિયા વિવિધ વિષય ઉપર પ્રસિદ્ધ કર્યા હતા. જેમાં ઈગ્લાંડમાં પ્રવાસ (ગુજરાતી બે વાર,મરાઠી) પ્રવાસ પ્રવેશક (ગુજરાતી, અંગ્રેજી) નીતિ વચન (બે વાર), સંસાર સુખ (બે વાર) કુટુંબમિત્ર , ગુજરાતી અને અંગ્રેજી કોશ (બે વાર) મહારાજ લાઇબલ કેસનો રિપોર્ટ (ગુજરાતી- અંગ્રેજી) મહારાજ વિશે ચોપાન્યુ (અંગ્રેજી), મહારાજોનો ઇતિહાસ (અંગ્રેજી), વેદ ધર્મ ચોપાન્યુ, ભેટપોથી દેશાટણ નિબંધ, નીતિ સંગ્રહ, નીતિબોધક ત્રણ અંક ચોપાન્યુ, રામમોહનરાય ચોપાન્યુ,વિધવાની અરજી ચોપાન્યુ, મહારાજ વિશે ચાબખા ચોપાન્યુ ,.સુધારો અને માહારાજ ચોપાન્યુ, હિન્દુઓનો અસલ ધર્મ કેમ ચુંથાયો?અને અમૂલ્ય વાણી સર બાર્ટલ ભાષણનો સમાવેશ થાય છે.

આવા આ મહાનતમ પત્રકાર, કેળવણીકાર,શિક્ષક, સમાજ સુધારક, પ્રવાસકાર પ્રકાશક,”ઉત્તમ અધિપતિ” અને માયાળુ ઉમદા માનવીના સત્ય પ્રકાશથી ઝળહળતા જીવનને, તેમના જીવનસંદેશને ક્યારેય વિસરી શકાશે નહીં. ગુજરાતની પ્રજાને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના તેજ તરફ લઈ જવા તેમણે જાત ઘસી, નાત સાથે સંઘર્ષ કરી કરેલો પરિશ્રમ અવર્ણનીય  છે.કદાચ એટલે જ આજે પણ ૨૧મી સદીમાં કરસનદાસને ફરી જન્મ લેવો પડે એવો સમય આવી ગયો છે.

પ્રો (ડો) શિરીષ કાશીકર

નિયામક, એનઆઇએમસીજે, અમદાવાદ.

( ટુંક સમયમાં લેખકના પ્રસિદ્ધ થનારા પુસ્તક “સવ્યસાચી પત્રકાર કરસનદાસ મુળજી” ના અંશો)

 

#KarsandasMoolji #CommemorationDay #SocialReformer #LeadByExample #KarsandasLegacy #ReformersOfIndia #InspiringChange #KarsandasMooljiDay #IndianReformers #SocialJustice

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code