Site icon Revoi.in

સોમનાથમાં ત્રિવેણી સંગમ, ગોલોક ધામ ખાતે આજથી કાર્તિકી પૂનમના મેળાનો પ્રારંભ,

Social Share

સોમનાથઃ યાત્રાધામ સોમનાથના આંગણે ત્રિવેણી સંગમ, ગોલોક ધામ ખાતે વર્ષોથી યોજાતો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસીય મેળાનો આજે તા. 22 નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે જિલ્લા કલેકટરના હસ્તે રંગેચંગે પ્રારંભ કરાશે.

સોમનાથમાં  કાર્તિકી પુર્ણીમા મેળાનો ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતે આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજે બુધવારથી પ્રારંભ થશે. આ લોક મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ 70 પ્રદર્શની, માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રવેશ માટે બે માર્ગોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રથમ ત્રિવેણી સંગમ પાસે તેમજ દ્વિતીય કલાકેન્દ્ર સામેથી યાત્રીઓ મેળામાં પ્રવેશ કરી શકશે.

કાર્તિકી પૂર્ણિમાના મેળાના પાંચ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે એક વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારે મેળાના ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને  સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે. મેળામાં ઉમટી પડનારી  માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કલા કેન્દ્ર તથા  રામ મંદિરની સામેના ભાગે આવેલા ખાલી જગ્યામાં કરવામાં આવેલી છે. સાથે જ ફોર વ્હીલ, રિક્ષા સહિતના મોટા વાહનો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ મુખ્ય પાર્કિંગ જે ગૌશાળા સામે નિયત કરાયુ છે, ત્યા નિયત શુલ્ક સાથે કરવામાં આવશે. શ્રી સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને વન-વે કરવામાં આવ્યો છે. તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશ-વિદેશના ભક્તો શ્રી સોમનાથ મંદિર ના ઓફિશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, યુટ્યુબના માધ્યમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકશે. સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોકસાહિત્ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાશે.