Site icon Revoi.in

ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ‘કરુણા’ અભિયાન,

Social Share

અમદાવાદઃ ઉત્તરાણ યાને મકરસંક્રાતિના પર્વને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. મહાનગરોમાં પતંગ-દોરાની ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે ઉલ્લાસ અને ઉમંગભર્યા આ તહેવારમાં પતંગની દોરીથી ગગનમાં વિહાર કરતા પંખીઓનો ભોગ લેવાતો હોય છે. આથી પતંગની દોરીથી ઈજાગ્રસ્ત બનેલા અબોલ પક્ષી-પશુની સારવાર માટે કરૂણા અભિયાન મદદમાં આવશે.

સૂત્રોના જમાવ્યા મુજબ આગામી ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે આજથી તા.20મી જાન્યુઆરી 2022 સુધી રાજ્યવ્યાપી કરૂણા અભિયાન યોજાશે. આ અભિયાનના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. ‘જીવો, જીવવા દો અને જીવાડો’ ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે. જે અનુસાર, વોટ્સએપ 8320002000 ઉપર ‘Karuna’ મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહિ, પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,આગામી ઉત્તરાયણ દરમિયાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620થી વધારે તબીબો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે 50 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર-સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપિલ કરી છે.