Site icon Revoi.in

કાશ્મીરઃ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તબીબ-પોલીસ કર્મચારી સહિત 4 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બુધવારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ડોક્ટર અને એક પોલીસકર્મી સહિત ચાર સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલના ડૉ. નિસાર-ઉલ-હસન, પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, લેબોરેટરી કર્મચારી અબ્દુલ સલામ રાથેર અને શિક્ષક ફારૂક અહેમદ મીરને ભારતના બંધારણની કલમ 11ની જોગવાઈઓ હેઠળ બરતરફ કરવામાં આવ્યા હતા.

આ લોકો પર આરોપ છે કે તેઓ તેમના હોદ્દા પર હતા ત્યારે તેઓ દેશ વિરોધી અભિયાનમાં આતંકવાદીઓને રક્ષણ પુરુ પાડતા તંત્રનો હિસ્સો હતો અને તે માટે કામ કર્યું હતું.  એવા આરોપો છે કે તેઓ સંરક્ષણ, સૂચના, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમ, ભરતી જેવા કાર્યોમાં આતંકવાદીઓને મદદ કરતા હતા. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર આ કર્મચારીઓ વિરુદ્ધ રજૂ કરાયેલા તમામ તથ્યો અને માહિતીથી સંતુષ્ટ છે અને તેમની કાર્યવાહી માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસને બંધારણની કલમ 311(2)(c)નો ઉપયોગ કરીને 50થી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા છે. આ લોકો કથિત રીતે પાકિસ્તાની આતંકવાદી સંગઠનોને મદદ કરતા હતા, આતંકવાદીઓની વિચારધારાનો પ્રચાર કરતા હતા, ભંડોળ એકત્ર કરતા હતા અને અલગતાવાદી એજન્ડાને આગળ ધપાવતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારા ચાર સરકારી બાબુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા દેશ વિરોધી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.