કાશ્મીર: પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર કરાયો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ભાંગફોડની પ્રવૃતિ આચરવાનો મનસુબો ધરાવતા હોવાની માહિતીને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે એલર્ટ બની છે. દરમિયાન પુલવામા ખાતે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના રાજપુરા વિસ્તારના ફ્રસીપુરા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. આ અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે.” પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો, દારૂગોળો અને ગુનાહિત સામગ્રી મળી આવી છે.