નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે. આતંકવાદીઓ બિનકાશ્મીરી અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતા હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જમ્મુ-કાશ્મીરમાં અરાજક્તા ફેલાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદીઓ કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી 1988ની જેમ આતંક ફેલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. આઈએસઆઈના અધિકારીઓ અને આતંકવાદી સંગઠનો વચ્ચે સપ્ટેમ્બર 2021 મીટીંગ મળી હતી. જેમાં ઓપરેશન રેડ વેવ નામનો પ્લાન ઘડ્યાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીને પાકિસ્તાનના નાપાક ષડયંત્રના પુરાવા પણ મળ્યા છે. 1988ની જેમ આ વખતે પણ પાકિસ્તાન દ્વારા કાશ્મીર ઘાટીને હચમચાવી નાખવાની યોજના બનાવવામાં આવી છે. આ પ્લાન સપ્ટેમ્બર 2021માં બનાવવામાં આવ્યો હતો, જેને ઓપરેશન રેડ વેવ નામ આપવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપ્ટેમ્બરમાં ISI અધિકારીઓ અને આતંકવાદી સંગઠનોના આગેવાનો વચ્ચે PoKના મુઝફ્ફરાબાદમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ઘાટીમાં 200 લોકોને મારવાની યોજના બનાવવામાં આવી હતી. ઓપરેશન રેડ વેવને 1988 જેવુ ઓપરેશન ચલીવાનું કાવતરુ ઘડ્યું છે. 1988માં ઇન્ડિયન મુજાહિદ્દીન સહિત 6 આતંકવાદી સંગઠનોએ ISI સાથે મળીને કાશ્મીરમાં ઓપરેશન ટુપેક શરૂ કર્યું હતું, જે 1990 સુધી ચાલ્યું હતું. નાપાક ઈરાદા સાથે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં 300થી વધુ કાશ્મીરી પંડિતો માર્યા ગયા હતા. આ ઓપરેશન પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જિયા ઉલ હકના કહેવા પર કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્યના જણાવ્યા અનુસાર, ઘાટીમાં આતંક ફેલાવવા પાછળ આઈએસઆઈનો હાથ છે. 1988નું ઓપરેશન ટુપેક હોય કે પછી હવે કાશ્મીરમાં હિંસા. દરેક બાબતના મૂળમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા છે.