નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને આંતકવાદના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણા પડાવવાના આરોપમાં પોલીસે ઉચ્ચ અધિકારી આદિલ શેખને ઝડપી લીધો હતો. ડીએસપી આદિલ શેખની સામે ટેરર ફંડીંગ કેસના આરોપીને બચાવવાનો પણ આરોપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીએસપી આદિલ વિરુદ્ધ નૌગામ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર ભારતીય દંડ સંહિતાની કલમો અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શ્રીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આ કેસની વધુ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસમાં પાંચ સભ્યોની ટીમમાં એસએચઓ પંથાચોક, એસએચઓ સાઈબર પીએસ, ઈન્સ્પેટર જીએમ રાથરનો સમાવેશ કરવામાં આવે છે. આ પહેલા પણ કાશ્મીર પોલીસના ઘણા અધિકારીઓ સામે સુરક્ષા અને આતંકવાદ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર તપાસમાં કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ અધિકારી સામે ખંડણી અને બ્લેકમેલિંગની અન્ય ફરિયાદો છે જેની અલગથી તપાસ કરવામાં આવશે. ધરપકડ કરાયેલ અધિકારીની પૂછપરછ માટે છ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં હજુ પણ કેટલાક ખુલાસા થઈ શકે છે.
આરોપી અધિકારીએ SDPO નૌગામ હોવા છતાં કેટલાક નિર્દોષ લોકોને ખોટા આતંકવાદી કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. આ સિવાય અન્ય ઘણા લોકોને પણ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેના પર કેટલીક મહિલાઓને કથિત રીતે હેરાન કરવાનો પણ આરોપ હતો. પોલીસ પ્રશાસને તેની સામે સતત ફરિયાદો મળતા તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું હતું.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, પોલીસની એક ટીમે આદિલ શેખના નિવાસસ્થાને તપાસ કરાઈ હતી. તે બે દિવસ પહેલા શ્રીનગરમાં હતો. આરોપી પોલીસ અધિકારી પોતાની ધરપકડથી બચવા માટે ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી અધિકારીના ઘરની તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાનું જાણવા મળે છે.