આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ભારત સતત આંતરરાષ્ટ્રીય મંચો પર અલગ-થલગ કરી રહ્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનમાં પણ ભારતે પાકિસ્તાનને કૂટનીતિક પછડાટ આપી છે. પાકિસ્તાન દુનિયાને એ જણાવીને ભલે ખુશ થઈ રહ્યું હોય કે તેણે જમ્મુ-કાશ્મીર પર ઓઆઈસીમાં અલગથી પ્રસ્તાવ કરાવી લીધો છે. પરંતુ પાકિસ્તાનનો આ પ્રસ્તાવ અબુધાબીથી જાહેર કરવામાં આવેલા આખરી સંયુક્ત ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવ્યો નથી. સંયુક્ત ઘોષણાપત્ર ઓઆઈસીનો એકમાત્ર સત્તાવાર દસ્તાવેજ છે કે જેને આ 57 મુસ્લિમ દેશોના સંગઠન દ્વારા સ્વીકારવામાં આવે છે. આ દસ્તાવેજને દુનિયાની સામે ચર્ચા માટે રજૂ કરવામાં આવે છે.
પાકિસ્તાન દ્વારા સતત દબાણ છતાં પણ અબુધાબી ઝુક્યું નહીં અને કાશ્મીરને આખરી મુસદ્દામાં સામેલ કરવામાં આવ્યું નહીં. વિશ્વસ્ત સૂત્રોને ટાંકીને આવી રહેલા મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાન ઓઆઈસીના દરેક સેશનમાં ભારત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઘેરાબંધીની કોશિશ કરતું રહ્યું છે. ઓઆઈસીમાં પાકિસ્તાને પહેલીવાર ભારતનો વિરોધ બીજા સેશનમાં કર્યો હતો, ત્યારે રાજા અલી એજાજના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ભારતના આમંત્રણ સંદર્ભે પોતાનો આકરો વાંધો વ્યક્ત કર્યો હતો. રાજા અલી એજાજ સાઉદી અરેબિયામાં પાકિસ્તાનના રાજદૂત છે.
મહત્વપૂર્ણ છે કે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ઓઆઈસીની બેઠકમા ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આનો વિરોધ કરતા પાકિસ્તાને પહેલી માર્ચે એલાન કર્યું હતું કે તે બેઠકમાં સામેલ થશે નહીં.
પહેલી જીત
પાકિસ્તાને માત્ર વિરોધ કર્યો ન હતો, પરંતુ પહેલા 27 ફેબ્રુઆરીએ જેદ્દામાં યુએઆઈ અને સાઉદી અરેબિયાની સાથે વાતચીત કરીને જમ્મુ-કાશ્મીર પર ઓઆઈસીના કોન્ટેક્ટ ગ્રુપની ઈમરજન્સી મીટિંગ પણ બોલાવી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ સચિવ તહમીના ઝાંઝુઆ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના તથાકથિત રાષ્ટ્રપ્રમુખ મસૂદ ખાન પણ હાજર હતા. આ બંને જમ્મુ-કાશ્મીરમાં કથિતપણે માનવાધિકાર ઉલ્લંઘનના મામલા અને ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારના મામલા ઉઠાવી રહ્યા હતા. તેઓ ભારતને આમંત્રિત કરવાનો પણ વિરોધ કરી રહ્યા હતા. જો કે ઓઆઈસી આ વિરોધની સામે ઝુક્યું નહીં. ભારત માટે આ પહેલી મોટી કૂટનીતિક જીત હતી.
બીજી જીત
અબુધાબી દ્વારા જાહેર કરવામાં આવેલા ઓઆઈસીના સંયુક્ત ઘોષણાપત્રમાંથી કાશ્મીરને હટાવવા માટે ભારતે જોરદાર કૂટનીતિક પેરવી કરી હતી. તેના પરિણામ સ્વરૂપ આ ઘોષણાપત્રથી કાશ્મીરનું નામ અલગ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે આ સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરની ચર્ચા સુદ્ધાં પણ કરવામાં આ નથી. ઓઆઈસીમાં ભારતની આ બીજી મોટી જીત હતી.
ઓઆઈસીમાં પાકિસ્તાનના ડેલિગેશને ઘણાં મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો સાથે વાતચીત કરી હતી. ખાસ કરીને સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન સાથે પાકિસ્તાને વાતચીત કરી હતી. આ તમામ કોશિશો છતાં પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પર માત્ર અલગથી એક પ્રસ્તાવ પારીત કરાવી શક્યું છે. જો કે આ પ્રસ્તાવોનું વધારે કૂટનીતિક મહત્વ નથી. એક અધિકારીએ સમજાવ્યું છે કે આ પ્રસ્તાવ સદસ્ય દેશોની એકજૂટતાને દર્શાવતો નથી. મુખ્યત્વે આ પ્રસ્તાવ એક દેશનું કોઈ મુદ્દા પર સ્ટેન્ડ દર્શાવે છે. ઘણાં દેશ પોતાના ખુદના પ્રસ્તાવ રજૂ કરે છે. આવા મોટાભાગના પ્રસ્તાવોનો વિરોધ કરવામાં આવતો નથી.
મહત્વપૂર્ણ છે કે ઓઆઈસીના સંયુક્ત ઘોષણાપત્રના ઈતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર તાશ્કંદ ઘોષણાપત્ર 2016માં જ એવું થયું હતું કે જ્યારે આખરી ડોક્યુમેન્ટમાંથી કાશ્મીર શબ્દને હટાવવામાં આવ્યો હતો.