- 120 મીમીના આ તમામ મોર્ટાર બસોટે અને બાલાકોટ ગામમાં પડયા હતા
- બે દિવસ પહેલા બાલાકોટમાં પાકિસ્તાને કર્યું હતું યુદ્ધવિરામનું ઉલ્લંઘન
એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ થઈ રહ્યો છે. તેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. સેનાએ બુધવારે પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નવ જીવતા મોર્ટાર સેલને નષ્ટ કર્યા છે. 120 મીમીના આ તમામ મોર્ટાર બસોટે અને બાલાકોટ ગામમાં પડયા હતા. મોર્ટારને નષ્ટ કરવાનો વીડિયો પણ સેનાએ જાહેર કર્યો છે.
બે દિવસ પહેલા પણ બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને રાત્રિભર મોર્ટાર શેલ છોડયા હતા. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની આ હિમાકતનો પુરજોર જવાબ આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ થઈ રહેલા સંબંધો વચ્ચે પાકિસ્તાન સીમા પર સતત ભડકાઉ કાર્યવાહી કરી રહ્યું છે. આના સંદર્ભે બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાના ઈરાદે પાકિસ્તાન સતત ભારતીય ચોકીઓ ફાયરિંગ કરી રહ્યું છે. આંકડા જણાવે છે કે કારણ વગર પાકિસ્તાને આ વર્ષે 2050થી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. જેમાં 21 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ભારતે પણ પાકિસ્તાનના ફાયરિંગનો આકરો જવાબ આપ્યો છે.