નવી દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકારે અભિયાન આરંભ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકી કનેક્શન પર મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરનાર ત્રણ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ઘાટીમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડનારાઓને આશ્રય આપવા અને ફંડિગ કરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. પોલીસ કોન્સ્ટેબલ અને કાશ્મીર યુનિવર્સિટીના પીઆરઓ સહિત ત્રણ પાકિસ્તાની એજન્ટો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્રએ ઝીણવટભરી તપાસ બાદ અલગ-અલગ સરકારી વિભાગોમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓ સીધી રીતે આતંકવાદીઓને મદદ કરતા હતા અને કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનો માટે સક્રિય રીતે કામ કરતા હતા. જેમને બરતરફ કરવામાં આવ્યા છે તેમાં કાશ્મીર યુનિવર્સિટીના પીઆરઓ ફહીમ અસલમ, મહેસૂલ વિભાગના અધિકારી મુરાવથ હુસૈન મીર અને પોલીસ કોન્સ્ટેબલ અરશીદ અહેમદ થોકરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન આ ત્રણ કર્મચારીઓ વિશે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
સૂત્રોનો દાવો છે કે ત્રણેય લાંબા સમયથી આઈએસઆઈ અને પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં આતંકવાદીઓને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા હતા. નક્કર પુરાવા મળ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે તેમની સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની સાથે જ આતંકવાદના મૂળ પણ હચમચી ગયા છે. ત્યારથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના હેન્ડલર્સ બેચેન છે અને વિવિધ ષડયંત્ર રચી રહ્યા છે. પરંતુ તેમની તમામ યોજનાઓ નિષ્ફળ જાય છે.