જમ્મુ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે ઇન્ટર મોડલ સ્ટેશન (IMS) એક “વર્લ્ડ-ક્લાસ” પ્રોજેક્ટ હશે જે માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા તીર્થયાત્રીઓના પ્રવાસ અનુભવને વધુ વધારશે. ગડકરીએ એવી પણ જાહેરાત કરી હતી કે અમરનાથ યાત્રાના યાત્રિકોની સુવિધા માટે આશરે રૂ. 5,300 કરોડના ખર્ચે 110 કિલોમીટર લાંબો અમરનાથ માર્ગ બનાવવામાં આવશે.
કટરામાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “કટરા ખાતે સ્થાપિત થનારી IMS એ વિશ્વ કક્ષાનો અત્યાધુનિક પ્રોજેક્ટ હશે, જે માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓના પ્રવાસના અનુભવને વધારવા માટે રચાયેલ છે. ”
ગડકરીએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં અમે 1.25 લાખ કરોડ રૂપિયાના ખર્ચે રોડ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ. 25,000-30,000 કરોડના રોપવે અને કેબલ કાર માટે 20 થી 22 પ્રસ્તાવ છે, જેના પર અમે કામ કરી રહ્યા છીએ. આમાં પ્રવાસીઓની સંખ્યામાં ચાર ગણો વધારો થશે અને કેન્દ્રશાસિત પ્રદેશ આત્મનિર્ભર અને સમૃદ્ધ બનશે.
ઉલ્લેખનીય છે કે,એપ્રિલના પ્રથમ 10 દિવસોમાં લગભગ 3.20 લાખ ભક્તો જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કટરા શહેરની ત્રિકુટ પહાડીઓમાં સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યા અને માતાને પ્રણામ કર્યા. શ્રાઈન બોર્ડના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે પરીક્ષાઓ પૂરી થતાની સાથે જ માતા વૈષ્ણો દેવીની ગુફામાં ભક્તોની ભીડ વધવા લાગી છે. તેમણે કહ્યું કે કટરા શહેરમાં ઉત્સવનો માહોલ છવાયેલો છે અને દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો અહીં પહોંચી રહ્યા છે.