કેદારનાથ ધામ: શુભમૂહર્તમાં ખુલ્યા કપાટ , માત્ર તીર્થ પુરોહિત પૂજામાં થયા સામેલ
- કોરોનાને કારણે ચારધામની યાત્રા થઈ છે સ્થગિત
- કેદારનાથના દ્વાર આજે સવારે શુભમૂહર્તમાં ખુલ્યા
- માત્ર પૂજારી લોકો થયા સામેલ
કેદારનાથ: કોરોનાના કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ કેદારનાથ મંદિરના દ્વાર આજે શુભમૂહર્તમાં ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના પરિસરમાં પુરોહિત, પંડા સમાજ અને ગણતરીના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતએ લોકોને ઘરમાં રહીને જ પૂજા કરવાની અપીલ કરી છે અને લોકોને મંદિરના કપાટ ખુલવા બદલ શુભકામનાઓ પણ પાઠવી છે.
કોરોનાના કારણે પહેલીવાર મંદિરના દ્વાર ભક્તોની હાજરી વગર ખોલવામાં આવ્યા છે. કોરોનાવાયરસ મહામારીને કારણે ચારધામની યાત્રાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
પર્યટન મંત્રી સતપાલ મહારાજએ જણાવ્યું કે, દેવસ્થાનમ તથા મંદિર સમિતિ દ્વારા ચાર ધામોમાં પહેલા પૂજા પ્રધાનમંત્રી મોદીના તરફથી જનકલ્યાણ માટે કરવામાં આવી રહી છે. શનિવારે સાંજે કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી કેદારનાથ ધામમાં પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે 18 મેના દિવસે વહેલી સવારે શુભમૂહર્તમાં બદરીનાથના દ્વાર પણ ખુલી શકે છે. આજે શ્રી કુબેરની સાથે આદી પુરુષ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ બદરીનાથ ધામ પહોંચશે.