Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમિત શાહે ઉ.પ્રદેશની કમાન સંભાળી, જીતનો રોડમેપ તૈયાર કર્યો

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રમાં સરકાર બનાવવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, તેમ રાજકીય પંડિતો માની રહ્યાં છે. લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ ભાજપ યુપીમાં ચૂંટણી રણનીતિને લઈને સક્રિય થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે તેનો મોરચો સંભાળી રહ્યા છે અમિત શાહનું ધ્યાન તે બેઠકો પર છે જેના પર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું છે. આ લોકસભા બેઠકોમાં પૂર્વાંચલથી પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધીની બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીની તાજેતરમાં એક બેઠક મળી હતી, જેમાં એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી કે જેના પર ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નથી અથવા તો ભાજપ ઓછા મતોના માર્જિનથી હારી ગયું છે.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં કુલ 80 સીટો છે. જો અહીં ભાજપના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તે ઘણી હદ સુધી સફળતા મળી છે. આંકડાઓની વાત કરીએ તો, વર્ષ 2014માં ભાજપે યુપીમાં કુલ 73 અને 2019માં 64 બેઠકો જીતી હતી. જો કે કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ભાજપની ટોચની નેતાગીરી પાર્ટીની કામગીરીથી સંતુષ્ટ નથી. આ જ કારણ છે કે અમિત શાહ ઉત્તર પ્રદેશ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. જો કે, લોકસભા ચૂંટણી અને યુપી વિધાનસભાની ચૂંટણી પછી શાહ પ્રથમ વખત યુપી પહોંચી રહ્યા છે.

ઉત્તર પ્રદેશની તેમની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન માત્ર એ જ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું નથી. ભાજપે યુપીની આવી 12 સીટોની યાદી બનાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તે બેઠકો છે જ્યાં ભાજપ માટે મુશ્કેલી ભરેલી સ્થિતિ જોવા મળી રહી છે. આમાંથી કેટલીક બેઠકો અન્ય પક્ષોના હિસ્સામાં છે. અમિત શાહના યુપી પ્રવાસ અંગે જે માહિતી સામે આવી છે તે મુજબ તેઓ પૂર્વાંચલ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશની પણ મુલાકાત લેશે. આ લિસ્ટમાં આંબેડકર નગર, બલરામપુર, સહારનપુર અને બિજનૌર સહિત કેટલાક ખાસ જિલ્લા સામેલ છે, જ્યાં અમિત શાહ પહોંચશે.