નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. આ દરમિયાન કેજરિવાલે વીડિયો કોન્ફન્સ મારફતે પોતાના નિયમિત તબીબની સલાહ લેવા માટે અરજી દાખલ કરી હતી. દિલ્હીની કોર્ટમાં અરવિંદ કેજરિવાલની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈડીએ જવાબ આપતા દાવો કર્યો હતો કે, મેડિકલ આધાર ઉપર જામીન મેળવવા માટે જાણી જોઈને કેજરિવાલ ગળ્યું ખાય છે. જેથી તેમનું સુગર લેવલ વધી જાય અને તેમને જામીન મળી જાય. આ અરજી ઉપર વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઈડીએ આ દાવો સીબીઆઈ અને ઈડા કેસની વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ કાવેરી બાવેજા સમક્ષ કર્યો છે. કોર્ટે તિહાડ જેલ અધિકારીઓને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના આહાર ચાર્ટ સહિત મામલામાં રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ કર્યો છે. ઈડીના વિશેષ ધારાશાસ્ત્રીએ કહ્યું કે, ડાયટ ચાર્ટ અદાલતમાં રજુ કરાયો છે. ડાયટ ચાર્ટમાં સામાન્ય રીતે કેરી અને મીઠાઈ છે, તેઓ ખાસ કરીને ગળ્યું ખાય છે. જેને કોઈ પણ ડાયબિટીશના દર્દીને મંજુરી નથી.
ઈડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, ટાઈપ 2ના ડાયબિટીશ છતા અરવિંદ કેજરિવાલ વધારે ગળ્યુ ભોજન આરોગે છે. તેઓ દરરોજ આલુ પુરી, કેરી અને મીઠાઈ ખાય છે. તેઓ મેડિકલ જામીન માટે આધાર બનાવવા આવુ કરી રહ્યાં છે. સમગ્ર મામલે કોર્ટે જેલસત્તાવાળાઓ પાસે કેજરિવાલનો ડાયટ રિપોર્ટ માંગ્યો છે. હવે આ અરજીની વધુ સુનાવણી આવતીકાલે શુક્રવારે હાથ ધરવામાં આવશે.