નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે.
કેજરિવાલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં અન્યાયપૂર્ણ રીતે ધરપકડ કરાયેલા સંત ચિન્મય કૃષ્ણ દાસજી સાથે આખો દેશ એકતાથી ઉભો છે. કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે, આ મામલે હસ્તક્ષેપ કરીને ચિન્મયદાસજીને તાત્કાલિક મુક્ત કરાવે.
બાંગ્લાદેશ પોલીસે હિન્દુ સંહઠન સમ્મિલિત સનાતની જોતના નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને ઢાકામાં હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી. દાસજી અને અન્ય 18 લોકો સામે 30મી ઓક્ટોબરના રોજ પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના એક નેતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી.
ભારત સરકારએ સંતની ધરપકડ મામલે નારાજગી વ્યક્ત કરી છે. બાંગ્લાદેશની સાથે ભારતમાં અનેક સ્થળો ઉપર સંતની ધરપકડના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ભારત સરકાર સમક્ષ માંગણી કરી છે કે, બાંગ્લાદેશને કહેવામાં આવે કે લઘુમતી કોમ અને હિન્દુઓ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે અમેરિકા સહિતના દેશોએ ગંભીર નોંધ લઈને અત્યાચાર અટકાવવા સૂચન કર્યું હતું.