નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન પરનો વચગાળાનો સ્ટે હટાવવાનો ઈન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી બુધવાર, 26 જૂન પર મુલતવી રાખી છે. અત્યારે તેમને જેલમાં રહેવું પડશે અને દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે. કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આપણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. ત્યાં સુધી અમે કંઈ કહી શકીશું નહીં.
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરાબ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે જામીન આપ્યા હતા, ત્યારબાદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું.
અગાઉ, દિલ્હી હાઈકોર્ટે 21 જૂનના રોજ વચગાળાના આદેશમાં, નીચલી કોર્ટના જામીનના આદેશને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર આમ આદમી પાર્ટી (AAP) સુપ્રીમોની મુક્તિ પર રોક લગાવી દીધી હતી.
જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુડેજાની બનેલી હાઈકોર્ટની વેકેશન બેંચે સીએમ કેજરીવાલની મુક્તિ પર સ્ટે આપતાં નિર્દેશ આપ્યો હતો કે, કેસની સંપૂર્ણ સુનાવણી થાય ત્યાં સુધી જામીનના આદેશનો અમલ કરવામાં ન આવે. બાદમાં તે જ દિવસે દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. એમ પણ કહ્યું કે, તે બે-ત્રણ દિવસમાં તેનો ઓર્ડર આપી દેશે.
ઇડીએ ગુરુવારે ટ્રાયલ કોર્ટને આદેશની જાહેરાત બાદ જામીન બોન્ડ પર સહી કરવા માટે 48 કલાકનો સમય આપવા વિનંતી કરી હતી. પરંતુ, ટ્રાયલ કોર્ટે જામીન આપવાના આદેશ પર સ્ટે મૂકવાની EDની અરજીને ફગાવી દીધી હતી.