કેજરીવાલે તમારી ખુબ કાળજી લીધી છે, બદલામાં તેમને સમર્થન આપો, રાઘવ ચઢ્ઢાની દિલ્હીના લોકોને અપીલ
દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વિદેશથી આંખની સારવાર કરાવીને દિલ્હી પરત ફર્યા બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે.
દરેક પરિવારને 18 હજાર રૂપિયાની બચત થઇ છે
21 મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને AAPની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ રેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ પણ સામેલ થયા હતા.
લોકોને સંબોધિત કરતી વખતે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીના લોકોને ઘણો ફાયદો પહોંચાડ્યો છે. જ્યારથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર બની છે ત્યારથી દરેક પરિવાર દર મહિને લગભગ 18 હજાર રૂપિયાની બચત કરી રહ્યો છે.
રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી 10,000 રૂપિયા સુધીની ફી બચાવી લેવામાં આવી છે. આમ આદમ પાર્ટીએ ઘણી સરકારી શાળાઓ બનાવી છે. આ સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતા પણ સારી છે.
વીજળીનું બિલ શૂન્ય કર્યુ
તેમણે લોકોને કહ્યું કે દિલ્હીમાં સામાન્ય લોકોનું વીજળી બિલ શૂન્ય છે, જે પહેલા 2500 થી 3000 રૂપિયા હતું. બદલામાં આમ આદમી પાર્ટીએ તમારી પાસેથી શું માંગ્યું? અમે ફક્ત એટલું જ માંગવા આવ્યા છીએ કે આ વખતે 25મીએ ઝાડુનું બટન દબાવીને સીએમ અરવિંદ કેજરીવાલને અહેસાસ કરાવો કે તમે અમારા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની જે કાળજી લીધી છે તેના બદલામાં અમે તમને અમારું સમર્થન આપી રહ્યા છીએ.
આ અપીલ દિલ્હીના લોકોને કરવામાં આવી હતી
આ વખતે દિલ્હીમાં કોંગ્રેસ અને AAP તમામ સાત બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ચાર બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ભાજપને પડકાર આપી રહ્યા છે. આ શ્રેણીમાં મંગળવારે ઈન્ડિયા એલાયન્સની રેલીને સંબોધિત કરતા રાઘવ ચઢ્ઢાએ દિલ્હીની જનતાને અપીલ કરી હતી કે જો તમે જનતાના હિતવાળી સરકાર ઇચ્છતા હોવ તો ઇન્ડિયા ગઠબંધનને વિજયી બનાવો.