અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના અંતમાં ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના પિયંકા ગાંથી પણ ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ આજે તા. 20મીએ એક દિવસના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ 21મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતમાં યાત્રાનો પ્રારંભ કરાવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જોર આપી રહી છે. આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતની યાત્રાનો પ્રારંભ કરાવશે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને હજુ સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી, જેથી લોકો સુધી પહોંચવા માટે ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવી રહ્યા છે. તેઓ વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને વાલીઓ સાથે ટાઉનહોલમાં કાર્યક્રમ કરી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. ત્યારબાદ દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પણ અમદાવાદ આવશે. 21 સપ્ટેમ્બરે અમદાવાદમાં સાબરમતી આશ્રમથી બાપુના દર્શન કરી ઉત્તર ગુજરાતની યાત્રાનો પ્રારંભ કરાવશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે અને લોકોને પરિવર્તન લાવવા માટે મનીષ સિસોદિયા હાકલ કરશે.(FILE PHOTO)