Site icon Revoi.in

રાજકોટમાં કેજરિવાલે શરૂ કર્યો હોમ ટુ હોમ પ્રચાર, વચનોની ભરમારવાળા ગેરંટીકાર્ડ આપ્યાં

Social Share

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના નેતાઓની ગુજરાતની મુલાકાતમાં વધારો થઈ રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં કેજરિવાલે હોમ ટૂ હોમ પ્રચારનો પ્રારંભ કરીને વચનોની ભરમારવાળા ગેરંન્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું.

રાજકોટમાં શનિવારનો દિવસ ચૂંટણી પ્રચારનો દિવસ બની ગયો હતો. સવારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યુવાનની રેલી યોજી હતી અને કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. હજુ આ ઘટનાને માંડ 1 કલાક વીત્યો હશે ત્યાં જ દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળી પડ્યા હતા, અને ઘરે ઘરે જઈને AAPના ગેરંટી કાર્ડ આપી વડીલોનાં ચરણોમાં શીર્ષ નમાવી લોકોને AAPને મતદાન કરવા અપીલ કરી હતી. શહેરમાં ચૂંટણી પૂર્વે ભાજપ અને AAPના નેતાઓ દ્વારા મતદારોને રીઝવવાનો જંગ શરૂ થઈ ગયો છે.

રાજકોટના થોરાળા વિસ્તારમાં જનસંપર્ક માટે કેજરિવાલ પહોંચ્યા હતા. જ્યાં લોકોની વચ્ચે બેસી આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિ વિશે સમજણ આપી હતી, અને લોકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ તકે લોકોનો પ્રતિસાદ તેમને મળ્યો હતો. શહેરમાં કેજરીવાલની ડોર ટુ ડોર વિઝિટ દરમિયાન શહેરીજનોને રજિસ્ટ્રેશન નંબર સાથે અલગ અલગ ત્રણ ગેરંટી આપવામાં આવ્યા હતા. જેમાં વ્યક્તિનું નામ, મોબાઇલ નંબર, ગામ કે વોર્ડનો નંબર તેમજ જે તે વિધાનસભા નંબર લખી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ફોર્મની પાવતી સાથે રાખીને દરેકને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યાં હતાં. આ ત્રણ ગેરંટી કાર્ડમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલ પોતાના કાફલા સાથે થોરાળા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં લોકો વચ્ચે બેસીને તેમણે દિલ્હી અને પંજાબમાં કરવામાં આવી રહેલી AAP સરકારની કામગીરી અંગે વિગતો આપી હતી. જેમાં AAP દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર ભાર આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ 18 વર્ષથી મોટી બધી મહિલાઓને રૂ.1000 આપવાની અને જૂના બાકી વીજ બિલ માફ કરવાની સાથે 200 યુનિટ ફ્રી વીજળી આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં લોકોને AAPના નંબર પર મિસ્કોલ કરી રજિસ્ટ્રેશન કરાવડાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પોતાના વિવિધ પ્રશ્નો કેજરીવાલ સમક્ષ રજૂ કર્યા હતા.