અયોધ્યા જેવા જ રામ મંદિરનું દિલ્હીમાં નિર્માણ કરાવી રહ્યાં છે, કેજરિવાલ કરશે દિવાળીએ પૂજા
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પોતાની પકડ મજબુત કર્યાં બાદ હવે આમ આદમી પાર્ટી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પાર્ટીનો વિસ્તાર વધારી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ દ્વારા પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આપ દ્વારા ઉત્તરપ્રદેશની યોગી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
ઉત્તરપ્રદેશ સરકાર રામ મંદિરના નિર્માણ મુદ્દે પોતાની પીઠ થપથપાવી રહી છે. એવી જ રીતે હવે દિલ્હીની અરવિંદ કેજરિવાલ સરકાર પણ રામ મંદિરને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રમાં રાખીને પ્રચાર-પ્રસાર કરી રહી છે. દિલ્હીમાં કેજરિવાલ પણ રામ મંદિર બનાવી રહી છે. એટલું જ નહીં દિવાળીના દિવસે સીએમ કેજરિવાલ અહીં પૂજા પણ કરશે. દિલ્હીમાં બની રહેલું રામ મંદિર અયોધ્યામાં નિર્માણધીન રામ મંદિરની અનુકૃતિ છે. દિલ્હીના પ્રયાગરાજ સ્ટેડિયમમાં તેને બનાવવામાં આવી રહ્યું છે. 4 નવેમ્બરના રોજ સીએમ કેજરિવાલ અને તેમની કેબિનેટ અહીં પૂજા-અર્ચના કરશે.
દરમિયાન દિલ્હી સરકારે જનતાને અપીલ કરી છે કે, ફટાકડા ના ફોડે અને પરિવાર સાથે મળીને દિવાળીના તહેવારોની ઉજવણી કરે. અરવિંદ કેજરિવાલ ઉત્તરપ્રદેશની ચૂંટણી પૂર્વે જ ભગવાન શ્રી રામના શરણે ગયા હોવાનું લાગી રહ્યું છે. તાજેતરમાં જ તેઓ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે ઉત્તરપ્રદેશમાં જ આપની સરકાર બનશે તો દિલ્હીની જેમ મુખ્યમંત્રી તીર્થયાત્રાની જાહેરાત કરી હતી. તેમજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરાવવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે અયોધ્યા પ્રવાસ દરમિયાન સાધુ-સંતોના આર્શિવાદ પણ લીધા હતા.
રામ મંદિર મુદ્દે આપના પ્રવક્તા આતિશી માર્લેનાએ કહ્યું હતું કે, દિલ્હીમાં લોકો ભલે આતિશબાજી ના કરી શકે પરંતુ તમામ સાથે મળીને દિવાળીની ઉજવણી કરશે. આ એવો તહેવાર છે જે ભગવાન શ્રીરામ સાથે જોડાયેલો છે. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ભગવાન શ્રી રામ અયોધ્યા પરત ફર્યાં તેની ખુશીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે આપણે ભગવાન શ્રી રામનું દિલ્હીમાં અનોખી રીતે સ્વાગત કરીશું.
(Photo-File)