નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. 7મી મેના રોજ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, ઓગસ્ટ 2022માં EDના ECIR બાદ કેજરીવાલ 21 માર્ચ 2024 સુધી બહાર હતા. હાઈકોર્ટમાંથી રક્ષણ ન મળતાં 21 માર્ચે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું હતું કે, ચૂંટણી માટે પ્રચાર કરવાનો અધિકાર ન તો મૂળભૂત કે બંધારણીય અધિકાર છે. આ કાયદાકીય અધિકાર પણ નથી. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય 2017માં ચૂંટણી પંચ વિરુદ્ધ મુખ્તાર અંસારી કેસમાં આપ્યો છે.
સુનાવણી દરમિયાન, ED તરફથી હાજર રહેલા ASG એસ.વી રાજુએ કોર્ટને કહ્યું હતું કે, જ્યારે એક્સાઇઝ પોલિસી સંબંધિત કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કેજરીવાલની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી ન હતી. તપાસ આગળ વધતાં તેની ભૂમિકા સામે આવી.
જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, આ એક અસાધારણ સ્થિતિ છે. ચૂંટણી ચાલી રહી છે અને એક મુખ્યમંત્રી જેલમાં છે. આ કોઈ સામાન્ય કેસ નથી. જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, અમે વચગાળાના જામીનની સુનાવણી નથી કરી રહ્યા કારણ કે કેજરીવાલ એક રાજનેતા છે પરંતુ દરેક વ્યક્તિ માટે કેટલાક ખાસ અને અસાધારણ સંજોગો હોઈ શકે છે.
કેજરીવાલની અરજી પર 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે EDને નોટિસ પાઠવી હતી. કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ પહેલા 9 એપ્રિલે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની આગેવાની હેઠળની દિલ્હી હાઈકોર્ટની બેન્ચે ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી.