Site icon Revoi.in

દિલ્હી લીકર પોલીસી કેસમાં હાઈકોર્ટના આદેશ સામે કરેલી અરજી કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં પરત ખેંચી

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન, કેજરીવાલે તેમની મુક્તિ પર દિલ્હી હાઈકોર્ટના વચગાળાના સ્ટે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના આદેશમાં ઘણી ખામીઓ દર્શાવી છે. હું આને પડકારતી નવી પિટિશન દાખલ કરવા માંગુ છું.

કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. કોર્ટે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુનાની આવકને કેજરીવાલ સાથે જોડતા કેસમાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. જો કે, બીજા જ દિવસે એટલે કે મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના વડા કેજરીવાલે હાઈકોર્ટમાંથી જામીન પરના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, હાઈકોર્ટના નિર્ણયે જામીનના આદેશમાં ઘણી ખામીઓ દર્શાવી છે. મારા અસીલની પણ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમે આ પિટિશન પાછી ખેંચીને નવી પિટિશન દાખલ કરવા માંગીએ છીએ. તેમાં દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સિંઘવીને નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી.

કોર્ટે કહ્યું કે, અરજદારો હાઈકોર્ટના 25 જૂનના આદેશને પડકારતી નવી અરજી દાખલ કરવા માંગે છે. તેમણે હાલની પિટિશન પાછી ખેંચવાની પરવાનગી માંગી છે. અમે તેમને આ પરવાનગી આપીએ છીએ.