દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે,અમારી પાસે હાલમાં 300 ઈલેક્ટ્રિક બસો છે.
દિલ્હીના રસ્તાઓ પર હાલમાં 7,379 બસો દોડે છે, જે છેલ્લા 75 વર્ષમાં સૌથી વધુ છે.ઘણા વર્ષોથી નવી બસો ખરીદવામાં આવી ન હતી અને અમને પણ આ અંગે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે 7,379 બસોમાંથી 4,000 થી વધુ દિલ્હી પરિવહન નિગમ દ્વારા અને 3,000 થી વધુ DIMTS દ્વારા ચલાવવામાં આવી રહી છે.કેજરીવાલે એ પણ માહિતી આપી હતી કે,દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા લગભગ 100 ઇલેક્ટ્રિક ફીડર બસો ચલાવવામાં આવી રહી છે.પરંતુ જે બસો તે ચલાવવા માટે સક્ષમ નથી તે દિલ્હી સરકારે પોતાના કબજામાં લઈ લીધી છે.
તેમણે કહ્યું કે,2025 સુધીમાં દિલ્હીના રસ્તાઓ પર 10,000થી વધુ બસો હશે અને તેમાંથી 80 ટકા ઈલેક્ટ્રિક હશે.પ્રદૂષણ ઘટાડવાની દિશામાં આ એક મોટું પગલું છે.મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે,ડેપો પર ઈ-બસ માટે ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે અને ત્રણ ડેપોમાં આ સુવિધા પહેલાથી જ છે.કેજરીવાલે કહ્યું કે,આ વર્ષે જૂન સુધીમાં 17 બસ ડેપો અને ડિસેમ્બર સુધીમાં 36 બસ ડેપોમાં વીજળીકરણ કરવામાં આવશે.ઈલેક્ટ્રિક બસોમાં ‘પેનિક બટન’, જીપીએસ અને કેમેરા ફીટ કરવામાં આવશે.