જેલમાં કેજરીવાલનું વજન સાડા આઠ કિલો ઘટી ગયું છે,પરંતુ તેનું કારણ જાણી શકાયું નથીઃ સંજય સિંહ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ CBI દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં હજુ જામીન ન મળ્યા હોવાથી અરવિંદ કેજરીવાલ હજુ પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે.
સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલનું વજન સાડા આઠ કિલો ઘટી ગયું છે પરંતુ તેનું કારણ જાણી શકાયું નથી. આ ગંભીર બીમારીની નિશાની છે. અરવિંદ કેજરીવાલ, તેમના પરિવાર અને ચાહકો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે.
AAPના રાજ્યસભા સાંસદે કહ્યું કે જેલમાં તેમના રોકાણ દરમિયાન તેમની સુગર પાંચ વખત નીચે ગઈ અને 50થી નીચે ગઈ, આવી સ્થિતિમાં વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે.
સંજય સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાંથી ED કેસમાં જામીન મળવાની સંભાવના વચ્ચે સીબીઆઈ દ્વારા ધરપકડ એક ષડયંત્ર હતું જેથી કેજરીવાલ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તૂટી જાય, તેઓ ગંભીર રીતે બીમાર પડે, કોઈ અપ્રિય ઘટના બને. કોર્ટે આ બાબતોનું સંજ્ઞાન લેવું જોઈએ.
AAP સાંસદે કહ્યું કે EDના લોકો એકતરફી કેસ કરી રહ્યા છે તે ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન આપ્યા. ગઈકાલના સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં પણ ઈડી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
જલંધર પેટાચૂંટણીના પરિણામો પર બોલતા સંજય સિંહે કહ્યું કે જલંધરનું પરિણામ પણ આવી ગયું છે, અમે લગભગ 38,000 મતોથી જીત્યા છે. પંજાબના લોકો અમારી સાથે છે.