નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તેમજ જીવનજરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. દરમિયાન કેન્યામાં મોંઘવારીએ માજા મુકી છે. જેથી લોકોની મુશ્કેલીઓ વધી છે. કેન્યામાં મોંઘવારીમાં થયેલા વધારાને પગલે લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. બીજી તરફ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા સ્થાનિક તંત્ર દ્વારા દેખાવકારોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કિસુમુમાં ગોળીમારીને હત્યા કરવાની ઘટનાની સાથે ઝુપડપટ્ટી કિબેરામાં સુરક્ષા કર્મચારીઓ અને દેખાવકારો વચ્ચે હિસંક અથડામણ થઈ હોવાનું જાણવા મળે છે.
કેન્યામાં ગઈ કાલે સરકારનો વિરોધ કરનાર પ્રદર્શન કરનાર સામે પોલીસે ટીયર ગેસ અને પાણીની કેનનથી મારો કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પશ્ચિમી શહેર કિસુમુમાં પણ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારની સૌથી મોટી ઝૂપડપટ્ટી કિબેરામાં વિરોધ પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યું હતું. અહીં સુરક્ષાકર્મીઓ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચેઝપાઝપી થઈ હતી.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે વધતીજતી મોંઘવારીના કારણે અહીં સપ્તાહમાં બીજી વખત સરકાર સામે વિરોધ પ્રદર્શન થયા છે. રાજ્યના નૈરોબીમાં વિરોધ પ્રદર્શન થયા હતા ત્યાં વિપક્ષના નેતા રૈલા ઓડિંગા પણ પ્રદર્શનકારીઓ સાથે સામેલ થયા હતા. ગયા સપ્તાહે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે પોલીસે સંસદમાં ઓડિંગના જૂથ સંબંધિત સાંસદો સહિત 200 લોકોથી વધુ લોકોની ધરપકડ કરી હતી.