કેરળ સરકાર લોન એપ સામે લાવશે કાયદો, અત્યાર સુધીમાં 63 કેસ નોંધાયાં
દિલ્હીઃ ભારતમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોન આપવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે હૈદરાબાદ પોલીસે તપાસ આરંભીને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. દરમિયાન કેરળ સરકાર લોન એપ પર લગામ લગાવવા માટે કાયદો ઘડવા પર વિચાર કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 કેસ નોંધાયા છે.
કેરળના ઉદ્યોગ મંત્રી ઇપી જયરાજને વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સબરીનાથ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર જણાવ્યું હતું કે, એકમાત્ર એપ ઓપરેટરો દ્વારા કરવામાં આવતી અનિયમિતતાઓ સરકારના ધ્યાનમાં આવી છે. રાજ્યની બહારથી ઓછામાં ઓછી 400 એપ્સ કાર્યરત છે. કેરળમાં અત્યાર સુધીમાં 63 કેસ નોંધવામાં આવ્યા છે અને બે કેસ ક્રિમિનલ બ્રાન્ચની તપાસ હેઠળ છે. સરકાર આ લોન એપ્લિકેશન્સ પર લગામ લગાવવા માટે કાયદો લાવવા વિચારી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્ય સબરીનાથે માગણી કરી હતી કે રાજ્ય સરકારે આ અંગે વ્યાપક કાયદો લાવવો જોઈએ જેથી રાજ્યના યુવાનોને ધિરાણ એપ્લિકેશનને કારણે સામાજિક સમસ્યાઓનો સામનો કરી શકાય.