કેરળ: દક્ષિણ-પશ્ચિમ મોન્સુનના કારણે ભારે વરસાદની આગાહી
બેંગ્લોરઃ હાલ દેશમાં એક તરફ ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ કેરળમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. પંજાબ અને દિલ્લીમાં પણ ગઈકાલે થયેલા વરસાદથી થોડીક ઠંડક પ્રસરી છે. આજે પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં ભેજવાળું વાતાવરણ રહેશે. તો ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં 44 ડિગ્રી જેટલું વાતાવરણ રહી શકે છે. તો મધ્ય પ્રદેશમાં વરસાદની શકયતા છે. જ્યારે આસામમાં વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. અહીં હજુ પણ રેમલ વાવાઝોડાની અસરને પરિણામે વરસાદ થઈ રહ્યો છે. તો તેલંગાણા, ઉત્તરી આંધ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. અરબી સમુદ્ર પરથી ભેજ આવતા વાતાવરણમાં બફારો રહેશે. રાજ્યમાં 25 થી 30 કિલો મીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાંક ભાગોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. દરમિયાન, રાજ્યમાં મહેસાણાના જોટાણામાં 11મીમી તથા પાટણના ચાણસ્મામાં બે મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિશય ભેજવાળા વાતાવરણ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.