મુંબઈઃ દક્ષિણ કેરળમાં દહેજ ભૂખ્યા પતિએ પત્નીના પિતાની સંપતિ હડપ કરી જવાના ઈદારે પત્નીની હત્યા કરવાના કેસમાં કોર્ટે આરોપી પતિને ગુનેગાર ઠકાવ્યો છે અને બુધવારે આ કેસમાં કોર્ટ આરોપીને સજા ફરમાવશે. પત્નીની હત્યા કરવા માટે પતિએ ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો. તેમે એક વ્યક્તિ પાસેથી રૂ. 10 હજારમાં ઝેરી સાપ ખરીદ્યો હતો.
કેસની હકીકત દક્ષિણ કેરળના કોલ્લમમાં એક પરિણીતાનું 7મી મે 2020ના રોજ ઝેરી સાપ કરડતા મોત થયું હતું. આ અંગે મૃતક મહિલના માતા-પિતાએ જમાઈ સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. પોલીસને પણ આ કેસ શંકાસ્પદ લાગતા આગવી ઢબે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં પતિએ જ ઝેરી સાપ કરડાવીને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સૂરજ નામના આરોપીએ સ્થાનિક વ્યક્તિ પાસેથી સાપ પકડવા માટે યોગ્ય તાલીમ લીધી હતી. એટલું જ નહીં એ વ્યક્તિએ જ કોબ્રા આપ્યો હતો.
સૂરજ અને તેના પરિવારના સભ્યો પત્નીને દહેજ માટે ત્રાસ આપતા હતા. સૂરજની નજર પત્નીના માતા-પિતાની સંપત્તિ ઉપર હતી. ઉથરા વિકલાંગ હતી જેથી દહેજની લાલચમાં સૂરજે તેની સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન વખતે ઉથરાના પરિવારજનોએ દહેજમાં 98 સોવેરિયન ગોલ્ડ, રૂપિયા ચાર લાખ અને કાર આપવામાં આવી હતી. આ સિવાય ઉથરાના પિતા દર મહિને 8 હજાર રૂપિયા આપતા હતા. ઉથરાના સંપત્તિ પડાવા તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.
તેમજ તેને સાપ પકડવાની તાલીમ આપતા સૂરેશ નામની વ્યક્તિ પાસેથી રૂ. 10 હજાર ચુકવીને કોબ્રા ખરીદ્યો હતો. બનાવની રાતે આરોપીએ પત્નીન રૂમમાં સાપ છોડ્યો હતો. જે બાદ કોબ્રાએ પરિણીતાને બે વાર ડંખ માર્યા હતા. બીજા દિવસે સવારે સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું નાટક કરતો સુરજ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ ગયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
સમગ્ર કેસ સ્થાનિક કોર્ટમાં ચાલી જતા સુનાવણીના અંતે અદાલતે આરોપી સૂરજને પત્નીની હત્યા, ઘરેલુ હિંસા સહિત ઘણા આરોપો હેઠળ ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટ હવે તા. 13મી ઓક્ટોબરના રોજ તેને સજા સંભળાવશે. પોલીસે આ કેસમાં સાપ આપનાર સુરેશને મુખ્યસાક્ષી બનાવ્યો હતો.