કેરળ આરએસએસના પાંચ નેતા પ્રતિબંધિત PFIના નિશાના ઉપર હતા
બેંગ્લોરઃ દેશ વિરોધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પોપ્યલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) ઉપર પ્રતિબંધ ફરમાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કાનૂની ગાળિયો વધારે કસયો હતો. તેમજ એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. દરમિયાન પીએફઆઈની હિટ લિસ્ટમાં કેરળ આરએસએસના 5 નેતા હોવાનું સામે આવ્યું છે. જેથી તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના હિટ લિસ્ટમાં કેરળ RSS ના 5 નેતાઓ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. જેથી કેન્દ્રીય ગુપ્તચર એજન્સીને મળેલા ઈનપુટના આધારે ગૃહ મંત્રાલયે આ નેતાઓને Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
કેન્દ્રીય ગૃહ વિભાગના નિર્દેશ બાદ એનઆઈએ તથા અન્ય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ તપાસ કર્યાં બાદ દેશના વિવિધ રાજ્યોમાં પીએફઆઈની ઓફિસ અને તેના આગેવાનોના નિવાસસ્થાન ઉપર દરોડા પાડ્યાં હતા. તેમજ 150થી વધારે લોકોની અટકાયત કરી હતી. બિહારમાં પીએમ મોદીની રેલીમાં હુમલાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ ભાજપ અને અન્ય હિન્દુ નેતાઓને ટાર્ગેટ બનાવવાનું કાવતરુ ઘડ્યાનું તપાસમાં ખૂલ્યું હતું. સુરક્ષા એજન્સીઓની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.