જુનાગઢઃ કેશોદ શહેર વર્ષો પહેલા વિમાની સેવાથી જોડાયેલું હતું. પરંતુ કાળક્રમે વિમાની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. આખરે બે દાયકા બાદ સોરઠનું કેશોદ એરપોર્ટ આગામી 12 માર્ચથી પુનઃ ધમધમતુ થશે. સોરઠ વિસ્તારના અનેક લોકો મુંબઈમાં સ્થાયી થયેલા છે. અને અવાર-નવાર પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે કેશોદ-મુબઈ વચ્ચેની વિમાની સેવાથી સોરઠ પંથકને સારોએવો લાભ મળશે. અને કેશોદ-મુંબઈ વચ્ચે વિમાની સેવાને સારોએવો ટ્રાફિક મણ મળી રહેશે.
કેશોદમાં આગામી તા. 12મી માર્ચથી વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. જેનું ઉદઘાટન નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના હસ્તે કરવામાં આવશે. પ્રથમ ફલાઈટ કેશોદ ટુ મુંબઈની ઉડશે જે રોજ આવક જાવક કરશે. વર્ષ 2000થી એર ફલાઇટ બંધ છે છેલ્લે 2019માં એપ્રિલમાં એર ફલાઈટ શરુ થયાનું નક્કી કરાયુ હતું પરંતુ પુરતી સુવિધાના અભાવે વિમાની સેવા શરૂ થઈ શકી નહતી.
કેશોદ એરપોર્ટને ઉડાન અને પ્રાદેશિક જોડાણ અંતર્ગત અંદાજે 25 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. 12 માર્ચની પ્રથમ ફલાઈટ કેશોદ-મુંબઈની ઉડાન ભરશે ત્યારે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદીત્ય સિંધીયા જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. એરલાઇન્સનો પ્રારંભ થશે પરંતુ હજુ તેનું સમય પત્રક કે ટીકીટના દર જાહેર કરાયા નથી. બે દાયકા બાદ નિયમિત એર ફલાઇટ શરુ થતાં સોમનાથ જુનાગઢ સાસણ આવતા પ્રવાસીઓ સ્થાનિક લોકોને સોરઠ જિલ્લાના તેમજ વેરાવળ સહિતના લોકોને લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લે ઓક્ટો-2000માં એરપોર્ટથી ફલાઈટ ઉડી હતી. ત્યારથી અત્યાર સુધી એરપોર્ટ બંધ થતા સોરઠની હવાઈ સેવા ઠપ્પ હતી.