કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી રહેશે હાજર
- કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન
- સીએમ પટેલના હસ્તે થશે ઉદ્દઘાટન
- સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ
રાજકોટ :જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવીનીકરણ કરાયેલ એરપોર્ટનો ઉદ્દધાટન સમારોહ યોજાશે.તારીખ 16 એપ્રિલ એટલે કે આવતીકાલે બપોરે 2 કલાકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ એરપોર્ટનું ઉદ્દઘાટન થશે.એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે કેશોદ એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.જેનું ઉદ્દઘાટન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત કેશોદ મુંબઇ કેશોદ વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવશે. સપ્તાહમાં ત્રણ દિવસ કેશોદ મુંબઇ કેશોદ વિમાની સેવાનો લાભ મળશે. કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરુ થવાથી તેનો સીધો લાભ વેપાર અને ઉદ્યોગોને તો મળશે જ સાથે-સાથે સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને પણ તેનાથી વેગ મળશે.
મહત્વનું છે કે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા સાસણ, જુનાગઢ અને સોમનાથના મધ્યમાં કેશોદ આવેલું છે.ત્યારે કેશોદ એરપોર્ટના નવીનીકરણ સાથે મુંબઇની વિમાની સેવાનો પ્રારંભ થતાં દેશ-વિદેશના પ્રવાસીઓની યાત્રા સુવિધામાં વધારો થશે.જુનાગઢ જિલ્લા અને તેની આસપાસના પ્રવાસન સ્થળો પર આવતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને પ્રવાસનને વેગ મળશે. સાસણ,ગીર, ગિરનાર, સોમનાથ અને દિવ વચ્ચે ટુરીઝમ સર્કીટના વિકાસમાં પણ કેશોદની આ વિમાની સેવાનો ફાળો મહત્વનો સાબિત થશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજનાર આ ઉદ્દઘાટન સમારોહમાં કેન્દ્રીય સડક પરિવહન રાજ્ય મંત્રી વી.કે.સિંઘ,પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, સાંસદ રમેશભાઇ ધકુક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.