જુનાગઢઃ સોરઠ પંથકને પણ હવે વિમાની સેવાનો લાભ મળશે. કેશોદનું એરપોર્ટ 16 એપ્રિલથી ખુલ્લુ મુકવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી તા. 16 એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસીય આ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.
પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે મુંબઈ સહિત મહાનગરો અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. સોમનાથ આવવા માટે પ્રવાસીઓને સીધી કોઈ વિમાની સેવાનો લાભ મળતો નહતો, એટલે પરપ્રાંતમાંથી આવતા ઘણા પ્રવાસીઓ વિમાનમાં રાજકોટ આવ્યા બાદ રોડ માર્ગે કાર-ટેક્સી ભાડે કરીને સોમનાથ જતા હતા. હવે કેશોદ સુધી વિમાની સેવા શરૂ કરતા પ્રવાસીઓને મોટો લાભ મળશે. વર્ષો પહેલા પણ કેશોદ સુધી વિમાની સેવા શરૂ હતી. પણ ત્યારબાદ સેવા બંધ કરી દેવામાં આવી હતી. અને વર્ષોથી સેવા બંધ હતી. હવે પુનઃ વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે. કેશોદ એરપોર્ટ પરથી સપ્તાહમાં ત્રણ દિવસ મુંબઈ વિમાની સેવાનો લાભ થશે. મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ત્રણ દિવસીય વિમાની સેવાનો લાભ જુનાગઢ જિલ્લાના લોકો લઈ શકશે.