કેવડિયા : રાજ્યમાં સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમને લીધે કેવડિયા દેશભરમાં જાણીતુ બન્યુ હતું. ત્યારબાદ સ્ટચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાતા તેમજ આજુબાજુના સ્થળનો પ્રવાસન તરીકે વિકાસ કરાતા હનવે દુનિયામાં કેવડિયાનું નામ વધુ જાણીતુ બન્યુ છે. આમ વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર એકતાનગરનું બોર્ડ લગાવવામાં આવ્યું. નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્યું છે. ત્યારે કેવડિયામાં રેલવે સ્ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઊભા કરાયા છે. જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઊભી કરવામાં આવી છે, જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. વડાપ્રધાન મોદીએ નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું. કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન છે. જ્યાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી 200 કિલો વોટનું વીજ ઉત્પાદન કરી શકાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.