Site icon Revoi.in

શિક્ષકોને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવાની સુચના બાદ ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં 2જી ઓક્ટોબર ગાંધી જ્યંતીએ ખાદીનું વેચાણ પુરતુ થયું ન હતું. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો સ્ટાફ જ 25 લાખની ખાદીની ખરીદી કરે તેવો લક્ષ્યાંક સ્કુલબોર્ડના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે. ખાદી એ વસ્ત્ર નહિ વિચાર છે અને ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન સૂત્રને સાર્થક કરતા મોટીસંખ્યામાં શિક્ષકો ખાદી ખરીદવા માટે ઉમટી રહ્યા છે.

રાજ્યમાં ખાદીના વેચાણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તમામ શિક્ષકોને સપ્તાહમાં એકવાર ખાદી પહેરવાનું આહવાન કર્યું હતું. આ આહવાન બાદ માત્ર 3 દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના શિક્ષકોએ ખાદી ખરીદી હતી. માત્ર સ્કૂલબોર્ડ દ્વારા 10 લાખની ખાદી ખરીદવામાં આવી છે અને હજુ ખાદીની ખરીદીમાં 25 લાખની ખરીદી થાય તેવો અંદાજ સ્કૂલબોર્ડ દ્વારા આંકવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીના આહવાન બાદ સ્કૂલ બોર્ડે પણ પરિપત્ર કરી સપ્તાહમાં એકવાર ખાદી પહેરવા સ્ટાફને જણાવ્યું છે જેથી મોટી સંખ્યામાં શિક્ષકો ખાદી ભંડારમાં ખાદી ખરીદી કરવા પહોંચ્યા હતા.

ખાદી ખરીદવા પહોંચેલા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યું કે ખાદી એ વસ્ત્ર નહિ વિચાર છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ  સ્વદેશી અભિયાન અંતર્ગત ખાદીને વેગ આપવા ખાદી પહેરવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાદી પહેરવા પર ભાર મૂકી ચુક્યા છે અને હવે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ ખાદી પહેરવાનું આહવાન કર્યું છે. જેને લઈ સ્કૂલ બોર્ડની શાળાના તમામ સ્ટાફ અઠવાડિયામાં એકવાર ખાદી પહેરશે. શહેરના ચંદલોડિયાની શાળાના શિક્ષકોએ ખાદીને ડ્રેસકોડ બનાવી દીધો છે. બીજીતરફ ખાદી ભાંડરના મેનેજર રાજેશ મોદીએ જણાવ્યું કે ઓક્ટોબર માસમાં ખાદીનું વેચાણ વધ્યું છે. હાલમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. ઉદાહરણ તરીકે ગતવર્ષે 1 કરોડનું વેચાણ થયું હોય તો આ વખતે 70 લાખ વધારે વેચાણ એ રીતે આ વખતે 70 ટકાનો વધારો નોંધાયો છે. મહત્વનું છે કે ઓક્ટોબર માસમાં ખાદી સપ્તાહને લઈ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ પણ ખાદી ખરીદી કરી ચુક્યા છે . (File photo)