અમદાવાદઃ રાજ્યમાં મહેસુલ અને પોલીસ વિભાગમાં સૌથી વધુ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓને કોઈનો ય ડર રહ્યો નથી. પોલીસ વિભાગમાં માત્ર કોન્સ્ટેબલ જ નહીં હોમગાર્ડ પણ લાંચ લેવામાં મીડિયેટર બનીને લાંચ લઈ રહ્યાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવે છે. શહેરમાં ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને 5100 રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા છે. આરોપી કોન્સ્ટેબલે અરજીમાં તપાસ કરવા માટે નાનો-મોટો વ્યવહાર કરવો પડશે કહી ને લાંચ માગી હતી. ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડને ઝડપી લીધો હતો. બાદમાં કોન્સ્ટેબલને પણ પકડ્યો હતો. એસીબીએ હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં ફરીયાદીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તે અરજીની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેકચોક પોલીસ ચોકીમાં સોંપાઈ હતી. માણેકચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણે અરજીના કામે અરજદારનું નિવેદન લખી જણાવ્યુ હતું કે આ અરજીની તપાસ કરવા નાનો મોટો વ્યવહાર કરવો પડશે. 26 નવેમ્બરના રોજ ફરિયાદી જયેન્દ્રસિંહને મળ્યા ત્યારે તેણે રૂ 5100 આપી જવાનું કે પહોંચાડી દેવાનું કહ્યું હતું. ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. 5100ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને લાંચની રકમ ફરિયાદીએ આપતા ACBએ તેમને ઝડપી લીધા હતા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરીને 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનને એક જ વર્ષમાં ઘર ભેગા કરી દીધા છે. LRD જવાન દ્વારા લોકો સાથે બેહુડ વર્તન અને ગેરરીતિ જેવી ફરિયાદ બાદ ટ્રાફિક જેસીપી દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. તેની સાથે પોલીસ દ્વારા એવું ન થાય તે માટે આગમી સમયમાં ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે. તેની સાથે તેમને સોફ્ટ સ્કિલના પાઠ ભણવામાં આવશે. હોમગાર્ડ દ્વારા પણ પોલીસના મિડિયેટર બનીને લાંચ લેવામાં આવતી હોય છે. હોમગાર્ડને રોજના 300 રૂપિયા ભથ્થું અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે. એટલે હોમગાર્ડને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હોય ગમે ત્યાંથી પૈસા મલે તેવી લાલચ રાખતા હોય છે. અને ડ્યુટી પોલીસની સાથે રહીને કરવાની હોવાથી હોમગાર્ડ પોલીસ કોન્સ્ટેબલોના મીડિયેટર બની જતાં હોય છે. અને કોન્સ્ટેબલો લાંચમાંથી થોડી રકમ હોમગાર્ડને આપતા હોય છે. પોલીસના અધિકારીઓ પણ ભષ્ટ્રાચાર ક્યાં અને કેવી રીતે થાય છે, તે સારી રીતે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોય છે.