દિલ્હી- ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. લખબીર સિંહ રોડે પ્રતિબંધિત સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સ્વયં-ઘોષિત ચીફ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લખબીર સિંહ રોડેનું 72 વર્ષની વયે પાકિસ્તાનમાં નિધન થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.
લખબીર સિંહ રોડે ભારતના પંજાબના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી હતો અને તે ભારતથી દુબઈ ભાગી ગયો હતો. બાદમાં તે દુબઈથી પાકિસ્તાન ચાલ્યો ગયો પરંતુ તેના પરિવારને કેનેડામાં રાખ્યો. વર્ષ 2002માં ભારતે 20 આતંકવાદીઓને ભારતને સોંપવા માટે પાકિસ્તાનને એક યાદી પણ સોંપી હતી, જેમાં લખબીર સિંહ રોડેનું નામ પણ હતું. ભારત સરકારના ડોઝિયર મુજબ, લખબીર સિંહ રોડેના ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશને બ્રિટન, જર્મની, કેનેડા અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ તેની શાખાઓ શરૂ કરી હતી. રોડે પર ગેરકાયદેસર રીતે ભારતમાં હથિયારો અને વિસ્ફોટકો મોકલવાનો પણ આરોપ છે.
લખબીર સિંહ રોડે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ભત્રીજો હતો અને તેને ભારતના આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. લખબીર સિંહ રોડેના ભાઈ અને અકાલ તખ્તના પૂર્વ જથેદાર જસબીર સિંહ રોડે લખબીરના મૃત્યુની પુષ્ટિ કરી છે.
આ સાથે જ જસબીર સિંહે કહ્યું કે મારા ભાઈના દીકરાએ અમને કહ્યું છે કે તેનું મૃત્યુ પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી થયું હતું અને તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસથી પીડિત હતા. લખબીર સિંહ રોડેને બે પુત્ર, એક પુત્રી અને પત્ની કેનેડામાં રહે છે.