જુનાગઢઃ કચ્છની ખારેકનું હવે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વાવેતર થવા લાગ્યું છે. રાજકોટ આસપાસ ઘણા ખેતરોમાં ટીસ્યૂકલ્ચરથી ખારેક ઉગાડાય છે. જોકે આ ખેતી જૂનાગઢ જિલ્લા સુધી પણ વિસ્તરી છે. જિલ્લાના કેશોદ તાલુકામાં ઉચ્ચ ગુણવત્તાની ખારેકનું સફળ ઉત્પાદન થઈ રહ્યું છે. ખારેકનું એક ઝાડ 80 કિલોનું ઉત્પાદન આપે છે અને ખેડૂતો માટે આ ખેતી ફાયદાકારક સાબીત થઈ રહી છે. ખેડૂતો પોતાના ફાર્મ પરથી જ ખારેકનું વેચાણ કરીને નફો કરી રહ્યા હોવાનું કૃષિ યુનિ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ હતું.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કણેરી ગામે એક ખેડૂતે 8 વર્ષ અગાઉ ખારેકના 50 રોપા લાવીને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. અને ચાર વર્ષે તેમાં પહેલો ફાલ આવ્યો હતો, ત્યારબાદ તેમને વ્યાપારી ધોરણે ઉત્પાદન મળવા લાગ્યું અને હવે તેઓ એક ઝાડ પર 80 કિલો સુધીના ઉતારા સાથે ખારેકનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે. ખેડુતને વિચાર આવ્યો હતો કે જો કચ્છમાં ખારેક થઈ શકતી હોય તો કેશોદમાં પણ શઇ શકે એવા વિચારથી ખારેકની ખેતી શરૂ કરી હતી. પ્રાયોગિક ધોરણે ખેડુતે બારાહી નામની કલ્ચર પેટર્નના 50 રોપાનો ઉછેર કર્યો, જેમાંથી 10 નર હતા અને હાલ 40 ઝાડ પર ખારેકનો ફાલ આવ્યો છે, ખારેકના રોપાનું વાવેતર કર્યા બાદ ચાર વર્ષે પહેલો ફાલ આવ્યો, અને ત્યારબાદ વર્ષમાં એક ફાલ આવે છે.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, મુળ ઈરાનની અને ઈઝરાઈલ દ્વારા વિકસિત બારાહી જાતની ખારેક સામાન્ય ખારેકના પ્રમાણમાં કદમાં મોટી, ઠળીયો નાનો અને સ્વાદમાં સાકર જેવી મીઠી હોય છે, એક્ષપોર્ટ કક્ષાની હોય છે તેથી તેનો ભાવ પણ સારો મળે છે. ખારેક 90 થી 100 રૂપીયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તેનો સીધો હિસાબ જોવા જઈએ તો એક ઝાડ પરથી 80 કિલોનું ઉત્પાદન અને 90 થી 100 રૂપીયે કિલો વેચાણ, આમ એક ઝાડ વર્ષે એક જ વાર ફાલ આપીને અંદાજે 8 થી 10 હજારની કમાણી કરાવી આપે છે અને જો તેની 40 ઝાડ સાથે ગણતરી કરવામાં આવે તો અંદાજે 4 લાખની ઉપજ થાય છે. ખારેક એક હાર્ડ પ્લાન્ટ છે. તેથી રોગ કે જીવાતની સંભાવના ઓછી રહે છે, તેને વધુ પાણીની આવશ્યકતા રહેતી નથી, વળી શેઢા પાળે પણ વાવેતર કરીને ખેતરમાં બીજો પાક પણ લઈ શકાય છે અને ખેતર ફરતે એક પ્રકારે રક્ષણ પણ થાય છે અને છોડને કોઈ ખાસ માવજતની જરૂર રહેતી નથી. આમ આ ખેતીના અનેક ફાયદા હોવાથી ખેડૂતો માટે ખારેકની ખેતી લાભદાયક છે અને બમણો ફાયદો કરાવી શકે છે.
(પ્રતિકાત્મક તસવીર)