અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જો કે, છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ ખેતરમાં ઉભા પાકને નવુ જીવતદાન મળ્યું હતું. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 64.85 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા વાવેતરની સરખામણીમાં 47 હજાર હેકટર વધારે છે.
કૃષિ વિભાગના અધિકારી દ્રારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે 26 જુલાઇ સુધીમાં અંદાજીત 64.85 લાખ હેકટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 64.28 લાખ હેકટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 75.80 ટકા વાવેતર થયેલું છે. ગુજરાતમાં હવે ચોમાસુ જામ્યું છે જેથી હજુ વાવેતર વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
હવામાન વિભાગે 30મી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ ભારે વરસાદની આશક્યતા વચ્ચે એનડીઆરએફની 15 ટીમ પૈકી 8 ટીમને વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. ૨ ટીમ વડોદરા અને એક ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલ છે.