ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ પાકનું વાવેતર ઘટ્યુઃ અત્યાર સુધીમાં 81 લાખ હેકટરમાં થયું વાવેતર
અમદાવાદઃ ચાલુ વર્ષે યોગ્ય વરસાદ વરસ્યો નહીં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ જળાશયોમાં પણ નવા પાણીની આવક નહીં થઈ હોવાથી હાર રાજ્યના 206 ડેમમાં લગભગ 56 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં રાજ્યમાં 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષની સરખામણીએ ઓછું છે. ગયા વર્ષે હાલના સમયે 84.48 લાખ હેકટરમાં વાવેતર થયું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 1,61,876 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 48.45 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના 206 જળાશયોમાં 310,492 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 55.70 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 08 જળાશય, એલર્ટ ૫ર કુલ 09 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 12 જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને 6 ટીમ વડોદરા અને 1 ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઇ છે.
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજીત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 84.48 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયુ છે.