રાજકોટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર 10,24,400 હેકટર જમીનમાં થયું છે તે પૈકી એકલા સૌરાષ્ટ્રમાં ખરીફ પાકનું વાવેતર 8,52, 600 હેકટરમાં થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યના 83.29 ટકા વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં થયું છે. બાકી રહેતા ગુજરાતના અન્ય ભાગોમાં 16.77 ટકા વાવેતર થયું છે. જેમાં કપાસ અને મગફળી મુખ્ય છે. આ વર્ષે ખેડુતોને કપાસના સારા ભાવ મળ્યા હોવાથી ખેડુતોએ ખરીફ પાકમાં કપાસનું વધુ વાવેતર કર્યુ છે..
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ફરીફ પાકનું સાડાઆઠ લાખથી વધુ વાવેતર થઈ ગયુ છે. ઘણાબધા ખેડુતોએ મેઘરાજાની રાહ જોયા વિના કપાસ સહિતના પાકોનું આગોતરૂ વાવેતર કર્યું છે. હવે ખેડુતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો એકાદ સપ્તાહમાં વરસાદ પડશે તો જે ખેડુતોએ આગોતરૂ વાવેતર કર્યું છે તે ખેડુતોને લાભ થશે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં એવરેજ માત્ર 38 મી.મી. વરસાદ વરસી જતા કે વાવણી કાર્યનો આરંભ થઇ ગયો છે. અત્યાર સુધીમાં 20,200 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. એટલે આ વર્ષે ચોમાસાના પ્રથમ રાઉન્ડના વરસાદના આરંભ સાથે ખરફી પાકમાં વાવતેર કાર્ય શરૂ થઇ ગયું છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ 20,600 હેકટર જમીનમાં વાવેતર કાર્ય થયું છે તેમાં ખરીફ પાકમાં વર્ષોથી પ્રથમ ક્રમે રહેતા કપાસનું વાવેતર 14,900 હેકટર જમીનમાં અને બીજા ક્રમે રહેતા મગફળીના પાકનું વાવેતર 4,000 હેકટર જમીનમાં થયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચોમાસુ પાકનું વાવેતર અમરેલી જિલ્લામાં 2,19,900 હેકટર જમીનમાં થયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સોરઠ પંથક પર મેઘરાજા મહેરબાન છે. સમયાંતરે વરસાદના ઝાપટાં પડતા હોવાથી ખરીફ પાકને ફાયદો થશે. આ પંથકમાં મગફળી સાથે કપાસનું પણ સારૂએવું વાવેતર થયુ છે. જ્યારે પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અને મોરબી તથા બોટાદ જિલ્લામાં હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થઇ રહયું છે. ભાવનગર જિલ્લામાં હજી માંડ 38 મી.મી. જેટલો એવરેજ વરસાદ વરસ્યો છે જ્યારે અમરેલીમાં નોંધપાત્ર વરસાદ વરસી જતા વાવેતરમાં નંબર-વન રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર તા. 20 જૂન સુધીમાં કુલ 10,24,400 હેકટર થઇ ગયું છે અને તેમાં કપાસ અને મગફળીનો સિંહ ફાળો છે. કપાસનું વાવેતર 5,89,000 હેકટરમાં અને મગફળીનું વાવેતર 3,66,500 હેકટરમાં થયું છે. આ બન્ને પાકનું કુલ વાવેતર 9,55,500 હેકટર થાય છે જે રાજ્યના ખરીફ પાકના કુલ વાવેતરના 93.27 ટકા થાય છે.