Site icon Revoi.in

ગુજરાતમાં સારા અને સમયસરના વરસાદને કારણે ખરીફ પાકનું 80.42 લાખ હેકટરમાં કરાયું વાવેતર

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં આ વખતે સારા અને સમયસરના વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું છે. જેમાં સારા ભાવ મળતા હોવાથી કપાસનું વાવેતર રેકર્ડબ્રેક કરાયું છે. સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાતમાં સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદન પણ મબલખ થશે. એવી ખેડુતો આશા રાખી રહ્યા છે. ભાવનગર પંથકમાં મગફલીના વાવેતરમાં થોડા ઘટાડો થયો છે. જ્યારે ગોહિલવાડ અને ઝાલાવાડ પંથકમાં કપાસના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે.

રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ખરીફ વાવેતર પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ખરીફ વાવેતર 93.55 ટકા થયું છે. ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં ખરીફ વાવેતરમાં વધારો થયો છે. કપાસનું સૌથી વધુ 26.76 લાખ હેક્ટરમાં 113 ટકા વાવેતર કરાયું છે. જ્યારે બાજરીનું 1.91 લાખ હેક્ટરમાં 108 ટકા વાવેતર થયું છે. ડાંગરનું 8.54 લાખ હેક્ટરમાં 101 ટકા વાવેતર થયું છે. જો કે મગફળીના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે. આ વર્ષે મગફળીનું 16.33 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે.

કૃષિ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખરીફ પાકના વાવેતરની કરવામાં આવે તો ખરીફ વાવેતર ગત વર્ષની 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટર થયું છે. જેના કારણે ખેત ઉત્પાદનમાં પણ વધારો થશે. દિવાળી પર ખરીફ પાકની માર્કેટ યાર્ડમાં ધુમ આવક શરૂ થશે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં 3 વર્ષ પૂર્વે ખરીફ પાકમાં મગફળીનું વાવેતર 1,17,200 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે ઘટીને 97,000 હેકટર થઇ ગયુ છે. આમ ત્રણ વર્ષમાં મગફળીના વાવેતરમાં ભાવનગરમાં 20,200 હેકટરનો ઘટાડો નોંધાયો છે.