અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પૃથ્વી પાસે આપણી જરૂરિયાત માટે પૂરતા સંસાધનો છે પણ આપણા લોભ માટે નહિ. આજે વિશ્વ ફલક પર સંપોષિત વિકાસ માટે પ્રયત્નોની વચ્ચે બાપુના પ્રકૃતિમય સંદેશને ભારતના ક્રૃષિ ક્ષેત્રે સાકાર કરવાના હેતુથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યુરીયા ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ છે. દરમિયાન ખેડા જિલ્લાના એક ગામના 200થી વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
સામાન્ય ખેતીથી જરા જુદા જઈને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સાહસ ભર્યું કામ નડિયાદ તાલુકાના નરસંડા ગામના અજીત કુમાર અરવિંદભાઈ ઠાકરે સફળતાપૂર્વક હાથ ધર્યું છે. 2017માં ફક્ત 3 વિઘા થી શરૂ કરીને આજની તારીખમાં તેઓ 7 વિઘા જમીનમાં જુદી જુદી શાકભાજી, ઘઉં અને મગફળીનું પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરે છે. નરસંડા ગામના વિસ્તારમાં સૌપ્રથમવાર પ્રાકૃતિક ખેતી થી મગફળીનું વાવેતર કરનારા અજીતભાઈ એ પહેલા ખેડૂત છે. અજીતભાઈ ને પ્રાકૃતિક કરવાની પ્રેરણા 2016માં ગાંધીનગરના સુભાષ પાલેકર(ગુરૂજી)ના કાર્યક્રમમાંથી મળી હતી. અજિતભાઈ સુભાષ પાલેકર પ્રાક્રૃતિક ખેતી પદ્ધતિ મુજબ તૈયાર કરેલા જીવામૃત, ધન-જીવામૃત, બીજ-જીવમૃત વગેરેનો ઉપયોગથી પાકને સુરક્ષિત રાખે છે. ઉપરાંત પાકમાં નિંદામણ ધટાડવાં તેઓ ‘ આચ્છાદન ‘ પદ્ધતિનો ઊપયોગ કરે છે જેમાં વ્રૃક્ષોના પત્તાઓને પાકમાં આચ્છાદિત કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી માટે સરકાર તરફથી દેશી ગાયના નિભાવના ખર્ચ માટે પ્રતિમાસ સો રૂપિયા મળે છે અને ખેતી માટે તેમને ડ્રમ મળેલા છે. અજીતભાઈ જણાવ્યું હતું કે, નડિયાદ ગ્રામ હાર્ટમાં બધી જ પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ્સ વેચવા માટેની જોગવાઈ છે ઉપરાંત ખેડૂત ઉત્પાદન કંપની (FPO) પણ ખેત પેદાશોનાં સફળતાપૂર્વક વેચાણ માટે સતત કાર્યશીલ છે.
અજીતભાઈ સ્વયં પ્રાકૃતિક ખેતી કરી અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ પ્રાકૃતિક ખેતીના આત્મા (એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) પ્રોજેક્ટના જિલ્લા-સંયોજક અને ખેતી મિત્ર પણ છે. આ પ્રોજેક્ટ અતંર્ગત ખેતી વિશે માર્ગદર્શન આપીને તેમણે 200થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે.