અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી આગામી 31મી મે 2022 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો કાર્યારંભ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નવાગામ – જલાયા તળાવને ઊંડુ કરવાના અભિયાનનો શુભારંભ કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો.
કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં ગત ત્રણ વર્ષમાં કુલ- 1998 જળસંચયના કામો પૂર્ણ કર્યા છે. એટલું જ નહિ અંદાજે રૂા. 200 કરોડના ખર્ચે ખેડા જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરાશે જેમાં જળસંચયના કામો પણ કરોડોના ખર્ચે હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે ગ્રામવિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના વિકાસ કામોના અનેકવિધ કાર્યો ચાલુ કરાયા છે. તેમાં જળ તળ ઉંચા આવે તે ચિંતા પણ સરકારે કરી છે અને રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો દ્વારા જળસંચયને પ્રાધાન્ય આપી ચેકડેમો બનાવવા, તળાવ ઊંડા કરવા, વન તલાવડી નિર્માણ, નદીઓને પુનઃજીવિત કરવી, ચેકડેમ રિપેરિંગ, વન તળાવ જેવા કાર્યક્રમો આગામી દિવસો દરમ્યાન ચાલશે. જેના થકી માનવદિન રોજગારી પણ ઉપલબ્ધ થશે.
તેમણે કહ્યું કે રાજ્યમાં સુજલામ સુફલામ યોજના વર્ષ – 2018માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કુલ – 38183 કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે પ્રકારનું રાજ્ય સરકારનું આ સુદૃઢ આયોજન છે તેમાં લોકો પણ એટલા જ ભાગીદાર બને તેમ કહ્યું હતું.