વહીવટદાર શાસનમાં ખેડબ્રહ્મા નગરપાલિકા રામભરોસે : ટકાવારી સિવાયના કામ કરવામાં કોઈ રસ નથી
ખેડબ્રહ્મા : શહેરના શીતલ ચોકમાં પાણીની નવીન પાઈપ નાખવા માટે ખેડબ્રહ્મા નગરપાલિકાએ નવો નક્કોર તોડીને પાણીની પાઈપ લાઈન નાખી છે. પાણીની પાઈપ લાઈન નાખ્યાને બે માસ જેટલો સમય વીતી ગયો છે. પણ હજુ તે રોડ રીપેરીંગ નથી થયો પણ હાલ ચોમાસામાં મોટો ખાડો પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારને પીવાનુ પાણી આપવા માટે કરોડોના ખર્ચ થી નવીન પાણીની પાઈપ લાઈન નાખીને તેનો જોઈન્ટ શીતલ ચોકમાં આપ્યો છે. જોઈન્ટ આપવા માટે આશરે ૧૬ માસ પહેલાં ખેડબ્રહ્મા શહેરમાં રુ.૩.૮૦ કરોડના ખચઁથી ડામર રોડ બનાવેલ હતો તે પૈકી શીતલ ચોકની મધ્યમાંથી પસાર થતો ડામર રોડ તોડી નાખ્યો છે અને હજુ રીપેરીંગ ના થતાં વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.
હાલ ચોમાસાની સીઝનમાં વરસાદના મારથી રોડ પર લાંબો અને ઊંડો ખાડો પડી ગયો છે. આ રોડ રીપેરીંગ કરવા રજૂઆત પણ કરી હતી અને વરસાદ નુ કારણ આગળ ધરીને રોડ રીપેરીંગ થતો નથી. પણ મેઈન રોડ હોવાથી દિવસભર અનેક વાહનો ખાડા પરથો પસાર થતાં કેટલાક અજાણ્યા બાઈક ચાલકો પડી જવાની ઘટના બને છે તો કેટલાક ફોર વ્હીલર વાહનોને પણ નુકશાન થયુ છે અને આવતાં જતાં વાહનચાલકો નગરપાલિકાના સત્તાવાળાઓ પર ફીટકાર વરસાવી રહ્યા છે.
વહીવટદાર શાસનમાં ખેડબ્રહ્મા નગરપાલિકા રામભરોસે ચાલી રહી છે અને કમીશન સિવાય શહેરમાં કંઈપણ કામ દેખાતુ નથી તેવુ શહેરવાસીઓમાં લોકમુખે ચચાઁઈ રહ્યુ છે. તો આ ખાડો ક્યારે પુરાય છે તે જોવુ રહ્યુ…