- વર્ષ – 2010માં 16 રમતોથી મહાકુંભનો પ્રારંભ થયો હતો,
- વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરાયુ હતુ.
- ખેલ મહાકુંભથી 16 ખેલાડીઓએ ગુજરાતનું દેશમાં અને વિશ્વસ્તરે નામ રોશન કર્યું
ગાંધીનગરઃ આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ વ્યાપારી તરીકેની હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેલમહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્થંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ -2010માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે ગત વર્ષ 2023-24માં વધીને ખેલ મહાકુંભ 2.0 માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ પહોચ્યું છે.
ગુજરાતમાં આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ-2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર રૂ.2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને રૂ. 352 કરોડથી વધુનું થયું છે.
ખેલમહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની બાળકોમાં વધુ જાગૃતિ આવે તે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ખેલ મહાકુંભ 2.0માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
વર્ષ – 2010માં ખેલ મહાકુંભમાં16 રમતો હતી જ્યારે ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ 2.0માં ગ્રામ્ય કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી દરેક વયજૂથમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ-પુરસ્કારની રકમ સમાન રાખવામાં આવી. ખેલ મહાકુંભ 2.0 માં ચાર નવી રમતો સેપક ટકરાવ, વુડબોલ, બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલમહાકુંભ અંતર્ગત અંડર-9 અને અંડર-11માંથી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કરી હાલ સુધીમાં 4655, ભાઇઓ અને 4535 બહેનો એમ મળીને કુલ 9190 પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારી ખર્ચે જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ (DLSS) આપવામાં આવ્યો. (File photo)