ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો ભોપાલ ખાતે આજથી થશે આરંભ – મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના સીએમ કરશે ઉદ્ધાટન
- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો આરંભ આજથી
- ભોપાલ ખાતે મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના સીએમ કરશે ઉદ્ધાટન
દિલ્હીઃ- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 આજરોજ 30 જાન્યુઆરીથી ભવ્ય રીતે શરૂ થવા જઈ રહી છે, જેનું યજમાન ભારતનું હૃદય મધ્યપ્રદેશ છે. ખેલ મહાકુંભ સોમવારે સાંજે 7 વાગ્યે ભોપાલના તાત્યા ટોપે નગર સ્ટેડિયમમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી નિશિત પ્રામાણિક અને રાજ્યના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રીની હાજરીમાં યોજાશે.
મધ્યપ્રદેશમાં પ્રથમવાર યોજાનારી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. ટીટી નગર સ્ટેડિયમના મુખ્ય મેદાન પર લગભગ 100 મીટર લાંબો સ્ટેજ બનાવવામાં આવ્યો છે, જેમાં મધ્યપ્રદેશની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને દર્શાવવામાં આવ્યા છે.
આ વખતે બધાની નજર ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ના યજમાન મધ્ય પ્રદેશ પર રહેશે. હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાયેલી છેલ્લી ખેલો ઈન્ડિયા ગેમ્સમાં મધ્યપ્રદેશે 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 38 મેડલ સાથે 8મું સ્થાન મેળવ્યું હતું, જેમાં મોટાભાગના મેડલ એકેડેમીના ખેલાડીઓએ જીત્યા હતા. આ વખતે મધ્યપ્રદેશ ખેલો ઈન્ડિયાની તમામ 27 રમતોમાં ભાગ લઈ રહ્યું છે. તમામ રમતોની 470 સભ્યોની ટીમમાં આ વખતે એકેડેમીના 146 ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના થીમ સોંગ માટે અવાજ આપનાર પ્રખ્યાત ગાયક શાન સમારોહમાં પરફોર્મ કરશે. ગાયિકા નીતિ મોહન નર્મદા અષ્ટક રજૂ કરશે. આ ઉપરાંત, અભિલિપ્સા પાંડા દ્વારા ‘હર હર શંભુ’ અને નટરાજ ડાન્સ ગ્રુપ, પ્રિન્સ ડાન્સ ગ્રુપ દ્વારા G20 ના ‘વસુધૈવ કુટુંબકમ’ પર આકર્ષક નૃત્ય પ્રદર્શન થશે.