Site icon Revoi.in

ખોડલધામના અગ્રણી નરેશ પટેલ પખવાડિયામાં જ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા

Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા અગ્રણીઓને પોતાના પક્ષમાં લેવા માટે તમામ રાજકિય પક્ષો મથામણ કરી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં જોડાવાની શક્યતા વચ્ચે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી (AAP) નરેશ પટેલને રાજ્યસભાના સાસંદ બનાવી શકે છે. કારણ કે, માર્ચના અંતમાં પંજાબમાં રાજ્યસભાની 5 સીટ માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં આપને 4 બેઠક મળવાની શક્યતા હોવાથી આવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAP નરેશ પટેલને રાજ્યસભા લડવાની ઓફર કરી શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટીદાર સમાજના અગ્રણી નરેસ પટેલને મનાવવા રાજકિય નેતાઓ તરફથી છેલ્લા ઘણા સમયથી મથામણ ચાલી રહી છે. ત્યારે નરેશ પટેલે  રાજકિય પાર્ટીમાં જોડાવા અંગે પ્રતિક્રિયા આપી હતી, તેમણે  જણાવ્યું હતું કે,  જે પણ રાજકીય પક્ષોએ મને આમંત્રણ આપ્યું છે તેનો  આભાર માનુ છું, પરંતુ હાલ મારી રાજકારણમાં જોડાવાની કોઈ ગણતરી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો સમાજના લોકો તેમને આ અંગે કહેશે તો તેઓ ચોક્કસ રાજકારણમાં જોડાશે. જોકે, પોતે કઈ પાર્ટીમાં ક્યારે જોડાશે તે અંગે યોગ્ય સમયે જાણ કરશે. માર્ચના અંત સુધીમાં પોતે રાજકારણમાં જવું કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરશે તેવું કહેતા નરેશ પટેલે કહ્યું હતું કે દરેક સમાજનું કલ્યાણ થાય અને પોતાનો ક્યાંક ઉપયોગ થાય તો પોતાને ચોક્કસ રાજકારણમાં જવું જોઈએ.

અત્રે ઉલ્લેખનિય છે કે,  તાજેતરમાં નરેશ પટેલની દિલ્હીની ઉડતી મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. દિલ્હીમાં તેઓ અનેક નેતાઓને મળ્યાની ચર્ચા પણ થઈ ત્યારે ખુદ નરેશ પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા મીડિયાને જણાવ્યું હતું કે, ઔદ્યોગિક મેળો હોવાથી દિલ્હી જવાનું થયું. આ દરમિયાન કોઈ રાજકીય બેઠક થઈ નથી.